DGVCLએ કહ્યુ દોઢ વર્ષમાં 18 લાખ સ્માર્ટ મીટર લાગશે, ઉઠેલા સવાલના પણ જવાબ આપ્યા

PC: bombaysamachar.com

વિજળી વિભાગ દ્વારા ડિજિટલ મીટર લગાવવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ આ ડિજિટલ મીટરોનો વિરોધ પણ થઈ રહ્યો છે. DGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને લઈ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ફરિયાદો થઇ રહી છે. સુરતમાં પણ એવી ઘટનાઓ સામે આવી છે. પાર્લે પોઇન્ટ વિસ્તારના નિર્મલ નગરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. જેના બિલને લઈને કેટલીક ફરિયાદો કરવામાં આવી હતી. કેટલાક અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની ફરિયાદો મળી હતી. તેને લઇને DGVCLના મેનેજિંગ ડિરેક્ટર (MD)એ ખુલાસો કર્યો છે.

DGVCLએ જે વિસ્તારોની અંદર ફરિયાદ મળી હતી. તે વિસ્તારમાં જઈને ત્યાંના ગ્રાહકોના ડેટા ચેક કરવામાં આવ્યા. કેટલાક ગ્રાહકોએ જે ફરિયાદ કરી હતી તેમની સાથે સીધો સંપર્ક કરવામાં આવ્યો. જૂના બિલ સાથે તેમની સરખામણી કરવામાં આવી. તેમણે ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં કન્ઝ્યૂમર દ્વારા જે ઈલેક્ટ્રિસિટીને કન્ઝ્યૂમ કરવામાં આવી હતી. તેના ડેટામાં વધુ કોઈ ફેરફાર નહોતો. DGVCLના MD દ્વારા કન્ઝ્યૂમરને થયેલી ગેરસમજણના ખુલાસા આપ્યા હતા.

DGVCL સુરતના MD યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, સ્માર્ટ મીટર લગાવનાર જે પણ ગ્રાહકો છે, ત્યાં અમારી ટીમ પહોંચી રહી છે. તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, તેમના જે ડેટા છે, તે પણ તેમની સામે મુકવામાં આવી રહ્યા છે. કેટલીક વખત જે રિચાર્જ કરવામાં આવતું હોય છે, તે જૂના બિલ બાકી હોવાના કારણે, રિચાર્જ કરાવતાની ડીડક્શન થઈ જાય છે. સુરતમાં કુલ 12 હજાર જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી કોઈ વધારે ફરિયાદ મળી નથી, પરંતુ અત્યારે જે ફરિયાદો આવી છે તે સોશિયલ મીડિયામાં વધારે ચર્ચામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમે બધો ખુલાસો કરી દીધો છે. સુરતમાં આગામી દોઢ વર્ષમાં 18 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાનું અનુમાન છે. નિર્મલ નગરના ગ્રાહકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સ્માર્ટ મીટર લાગેલા જ રહેશે અને આ રીતે જ કામ થશે. જે પણ ગેરસમજણ હશે તે દૂર કરવામાં આવશે. અમે લોકોને બતાવવા માગીશું કે જૂના મીટર જેવું જ સ્માર્ટ મીટર છે. સ્માર્ટ મીટરમાં લોકોને ઘણા ઓપ્શન મળે છે, જેમાં વીજ વપરાશની માહિતી પણ મળે છે.

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં આખા દેશમાં 1.10 કરોડ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. હાલ પૂરતી કામગીરી આવાસીય વિસ્તારમાં સ્થગિત કરીને સરકારી ઈમારતોમાં લગાવવા કહ્યું હતું. પહેલી વખત DGVCL કોલોનીમાં મીટર લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રિચાર્જ, વીજ વપરાશ આ તમામ બાબતોનું ટેસ્ટિંગ થયું હતું. ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે. સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે તો કેટલીક વાર લોકોને 5 લાખ કે 9 લાખનું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp