સુરતનો યુવાન ગરબા કરતા ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતની શંકા,એકનો એક દીકરો હતો

PC: divyabhaskar.co.in

ગુજરાતના સુરતમાં વધુ એક યુવાન ગરબાની પ્રેકટીસ કરતા ઢળી પડ્યો હતો અને ટુંકી સારવાર બાદ તેનું મોત થયું છે. હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 26 વર્ષનો યુવાન પરિવારનો એકનો એક દીકરો હતો, કાર શો રૂમમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો અને મિકેનિકલ એન્જીનીયરીંગમાં માસ્ટર ડીગ્રી કરવા માટે લંડન જવાનો હતો. લંડન જવાનું અને નવરાત્રીમાં ગરબા રમવાનું આ યુવાનનું સપનું રોળાઇ ગયું છે. એકનો એક દીકરો દુનિયા છોડીને ચાલી જતા પરિવારના માથે આભ તુટી પડ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ સુરતના પાલનપુર ગામમાં આવેલા રાજહંસ એપલમાં રહેતા ધર્મેન્દ મોદીનો એકનો એક દીકરો રાજ મોદી ગરબાની પ્રેકટીસ કરવા માટે ગયો હતો. ગરબા રમતા રમતા રાજને થાક લાગ્યો હતો અને તે ખુરશીમાં બેઠો હતો અને થોડી જ વારમાં ઢળી પડ્યો હતો. તાત્કાલિક રાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી એટલે સાચું કારણ જાણવા મળ્યું નથી.

પરિવારના લોકો પાસેથી જાણવા મળ્યુ હતું કે રાજ તેમના પરિવારનો એકનો એક દીકરો હતો અને તેને કોઇ પ્રકારનો રોગ નહોતો. ડિસેમ્બરમાં તે મિકેનિકલમાં માસ્ટર ડીગ્રી મેળવવા માટે લંડન જવાનો હતો. વિદેશ જતા પહેલાં તેણે ગરબા રમીને જવાનું નક્કી કર્યું હતું એટલે તે ગરબા કલાસમાં પ્રેકટીસ કરવા માટે જતો હતો. રાજ એમ કહેતા કે લંડનમાં ગરબા રમવા મળશે કે નહીં તે ખબર નથી એટલે અહીં જ ગરબા રમીને જઇશ.

પુત્ર વિદેશ જવાનો હોવાથી માતા-પિતા તેની દરેક ઇચ્છા પુરી કરતા હતા.

તબીબોએ કહ્યુ હતુ કે હાર્ટ એટેકને કારણે મોતની શંકા છે, પરંતુ સેમ્પલ મોકલવામાં આવ્યા છે, રિપોર્ટ આવ્યા પછી સાચું કારણ જાણવા મળશે.

લગભગ છેલ્લાં 10 દિવસમાં જ ગરબાની પ્રેકીટસ કરતા કરતા 3 યુવાનોના મોત થયા છે. છેલ્લાં આઠેક મહિનાથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. ક્રિક્રેટ રમતા રમતા, ગરબામાં ડાન્સ કરતા કરતા અને હવે ગરબાની પ્રેકટીસ કરતા કરતા યુવાનોના મોત થઇ રહ્યા છે.

આ વખતે ગરબા આયોજકોને વિનંતી કરવામાં આવી છે કે ગરબાના સ્થળે પ્રાથમિક સારવાર અને તબીબી વ્યવસ્થા રાખે અને ગરબા રમનારાઓને પણ વિનંતી કરવામાં આવી છે કે ગરબા રમતા પહેલા તમારું હેલ્થ ચેક કરાવી લેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp