બીજી ટેસ્ટમાં યશસ્વીની ધમાલ, ભારતના 336 રનમાં અડધાથી વધુ રન જૈસવાલના

PC: twitter.com

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં પહેલા દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાને 336 રન બનાવી લીધા છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો ઓપનર રોહિત શર્મા 14 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ 89 રને શુભમન ગીલની બીજી વિકેટ પડી હતી, પરંતુ ત્યાર બાદ શ્રેયસ ઐયર અને યશસ્વી જૈસવાલે પાર્ટનરશીપ કરીને ભારતને સારી સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. આજનો દિવસ જૈસવાલના નામે રહ્યો હતો, જેણે એકલા હાથે  179 રન ફટકારી દીધા છે અને તે હજુ અણનમ છે, ભારતીય ટીમના 336 રનમાં અડધાથી વધુ રન યશસ્વી જૈસવાલના છે. આજે ડેબ્યૂ કરનાર રજત પાટીદાર 32 રન જ બનાવી શક્યો હતો. અક્ષર પટેલે 27 અને ભરતે 17 રન જ બનાવ્યા હતા.

મોહમ્મદ સિરાજને બીજી ટેસ્ટથી કેમ કર્યો બહાર, રોહિત શર્માએ આપ્યું કારણ

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં રમવા ઉતરી અને પ્લેઇંગ ઇલેવનમાં 3 મોટા બદલાવ સાથે. હૈદરાબાદ ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમને કે.એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થવાથી ઝટકા લાગ્યા. બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં 2 બદલાવની જાણકારી બધાને હતી, પરંતુ ત્રીજું નામ ચોંકાવનારું રહ્યું. મોહમ્મદ સિરાજ બહાર બેસાડવાની જાણકારી કેપ્ટન રોહિત શર્માએ ટોસના સમયે આપી અને તેનું કારણ પણ બતાવ્યું.

ભારતીય ટીમ માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની પહેલી મેચ હાર્યા બાદ મુશ્કેલીઓ હજુ વધી ગઈ. સીનિયર ખેલાડી કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજા બીજી મેચમાં ઇજાગ્રસ્ત થવાથી ન રમી શક્યા. આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કેપ્ટન રોહિત શર્માએ 3 બદલાવ કર્યા. જાડેજાના કારણે કુલદીપ યાદવને અવસર આપવામાં આવ્યો, જ્યારે રજત પાટીદારે પ્લેઇંગ ઇલેવનમાં કેએલ રાહુલની જગ્યા લીધી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આ મેચમાં બહાર બેસાડવામાં આવ્યો અને તેની જગ્યાએ મુકેશ કુમારને અવસર આપ્યો.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ અગાઉ ટોસ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનથી બહાર રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ઘણા સમયથી તે સતત મેચ રમી રહ્યો છે. તેને આરામ આપવાનો નિર્ણય લીધો છે અને આ કારણે મોહમ્મદ સિરાજને બહાર રાખતા મુકેશ કુમારને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા. BCCIએ મોહમ્મદ સિરાજને લઈને અપડેટ આપ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે તેને ભારતીય ટીમમાંથી હાલમાં રીલિઝ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય આ લાંબી સીરિઝને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. સાથે જ તેના પર પણ વિચાર કરવામાં આવ્યો કે, તે કેટલા સમયથી સતત મેચ રમતો આવી રહ્યો છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં સિલેક્શન માટે સિરાજ ઉપલબ્ધ રહેશે. આવેશ ખાન બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp