આ ખેલાડીને અફઘાન મહિલાઓનો અવાજ ઉઠાવવાનું મોંઘું પડ્યું, ઓલિમ્પિકમાં અયોગ્ય ઘોષિત
15 ઑગસ્ટ 2021ના રોજ જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર ફરી કબજો કર્યો, ત્યારથી મહિલાઓની જિંદગીઓ મુશ્કેલીથી ઘેરાઇ ગઇ. તાલિબાને મહિલાઓની જિંદગી પર ઘણા કઠોર પ્રતિબંધ લગાવી દીધા, જેની વિરુદ્ધ ઘણા મહિલા સંગઠનોએ અવાજ ઉઠાવ્યો, પરંતુ અફઘાનિસ્તાનની એક એથલીટે આ સંઘર્ષને દુનિયા સામે લાવવા માટે ઓલિમ્પિક જેવું મોટું મંચ પસંદ કર્યું. અફઘાનિસ્તાનની પહેલી મહિલા બ્રેક ડાન્સર મનિજા તલાશે પેરિસ ઓલિમ્પિક 2024માં શરણાર્થી ઓલિમ્પિક ટીમના સભ્ય તરીકે સામેલ થઇ.
બ્રેકિંગ રૂટિન દરમિયાન તેણે હલકા નીલા સ્કાર્ફ પર મોટા સફેદ અક્ષરોમાં ‘અફઘાન મહિલાઓને આઝાદ કરો’ લખીને તાલિબાન શાસન વિરુદ્ધ મહિલાઓની દુર્દશા પર દુનિયાનું ધ્યાન ખેચવાનો પ્રયાસ કર્યો. જો કે, પેરિસ ઓલિમ્પિકના સખત નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે મનિજાને ડિસ્ક્વાલિફાઇ કરી દેવામાં આવી. તેની મેચ નેધરલેન્ડની ઇન્ડિયા સાર્ડજો વિરુદ્ધ હતી, પરંતુ પોતાના આ પ્રયાસનું પરિણામ તેણે ભોગવવું પડ્યું. વર્લ્ડ ડાન્સ સ્પોર્ટ ફેડરેશને નિવેદનમાં કહ્યું કે, મનિજા તલાશને પોતાના પરિધાન પર રાજનીતિક નારો પ્રદર્શિત કરવાના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી.
ઓલિમ્પિક ચાર્ટરના નિયમ 50 હેઠળ કોઇ પણ ઓલિમ્પિક સ્થળ કે ક્ષેત્રમાં રાજનીતિક, ધાર્મિક ને જાતિવાદી પ્રચારની મંજૂરી નથી. મનિજાને સોશિયલ મીડિયા પર પણ સાથ મળ્યો. લોકોએ તેના પક્ષમાં ટ્વીટ કરી. મનિજા તલાશ મૂળ રૂપે કાબૂલની રહેવાસી છે. તાલિબાન સત્તાવામાં આવ્યા બાદ તેણે અફઘાનિસ્તાન છોડીને સ્પેનનું શરણ લીધું છે. પેરિસ ઓલિમ્પિકમાં તેણે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું પૂરું કર્યું. સાથે જ તે અફઘાની મહિલાઓનો અવાજ બનીને દુનિયા સામે આવી.
ઉલ્લેખનીય છે કે, ઑગસ્ટ 2021માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાની મહિલાઓને ગંભીર પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે. છોકરીઓની હાઇ સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. મહિલાઓને પુરુષ વાલી વિના યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને પાર્ક, જિમ અને અન્ય સાર્વજનિક સ્થળો સુધી પહોંચને ખૂબ સીમિત કરી દેવામાં આવી છે. IOCએ અફઘાનિસ્તાન એથલીટોને શરણાર્થી ઓલિમ્પિક ટીમ હેઠળ ભાગ લેવાની મંજૂરી આપતા સ્પષ્ટ કરી દીધું કે પેરિસ રમતો માટે કોઇ પણ તાલિબાન અધિકારીને માન્યતા આપવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp