અફઘાનિસ્તાનની જીતથી ભારતના ગ્રુપના સમીકરણો બદલાઈ ગયા, 4 ટીમ સેમીફાઈનલની રેસમાં

PC: icc-cricket.com

અફઘાનિસ્તાને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. 23 જૂન (રવિવાર)ના રોજ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 149 રન બનાવવાના હતા, પરંતુ તેની આખી ટીમ 19.5 ઓવરમાં 127 રન જ બનાવી શકી હતી.

ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીતને કારણે સુપર 8માં ગ્રુપ-1નું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ ગ્રુપની ચારેય ટીમો હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે. જો કે આ ગ્રુપમાંથી માત્ર બે ટીમોને જ સેમીફાઈનલમાં જવાની તક મળશે. જો ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હોત તો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને સેમિફાઇનલમાં પહોંચી ગયા હોત. પરંતુ આ થઈ શક્યું નહીં. અફઘાનિસ્તાનની જીતને કારણે બાંગ્લાદેશને પણ થોડી રાહત મળી છે.

ભારત: ટીમ ઈન્ડિયા માટે સમીકરણ એકદમ સરળ છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા સામેની હારની તેના પર કોઈ અસર નહીં પડે, જો કે તે મોટા માર્જિનથી ન હારવું જોઈએ. ભારતનો નેટ રન રેટ હાલમાં +2.425 છે. જો તે ઓસ્ટ્રેલિયા સામે મોટી હાર મેળવે છે અને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે છે, તો જ તેની બહાર થવાની સંભાવના રહેશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન નેટ રન રેટના આધારે ભારતને પાછળ છોડી શકે છે.

ઓસ્ટ્રેલિયાઃ અફઘાનિસ્તાન દ્વારા મળેલી હાર પછી ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે તેણે 24મી જૂને સેન્ટ લુસિયામાં રમાનાર મેચમાં ભારતને હરાવવું પડશે. તેને બાંગ્લાદેશની મદદની પણ જરૂર પડશે અને આશા રાખવી પડશે કે, બાંગ્લાદેશ તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવી દે. ઓસ્ટ્રેલિયાનો વર્તમાન નેટ રન-રેટ +0.223 છે. જો તે ભારત સામે હારી જશે તો તેને બાંગ્લાદેશના સમર્થનની જરૂર પડશે. પછી જો બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવશે તો ત્રણ ટીમોના બે-બે પોઈન્ટ હશે અને નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે.

અફઘાનિસ્તાનઃ અફઘાનિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને હરાવવું પડશે. આ ઉપરાંત ભારત પણ ઓસ્ટ્રેલિયા સામે જીતે તેવી અપેક્ષા રાખવી પડશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે હારે છે, તો અપેક્ષા રાખવી જોઈએ કે, ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટા માર્જિનથી હારી જાય. અફઘાનિસ્તાનનો નેટ રન રેટ હાલમાં -0.650 છે. જો ઓસ્ટ્રેલિયા જીતશે તો અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીત મેળવવી પડશે.

બાંગ્લાદેશ: બાંગ્લાદેશને ક્વોલિફાય થવા માટે ચમત્કારની જરૂર છે. જોકે ટેકનિકલી તે હજુ પણ રેસમાં છે. બાંગ્લાદેશને અફઘાનિસ્તાન સામે મોટા અંતરથી જીતવું પડશે. સાથે જ આશા રાખવી જોઈએ કે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પણ હરાવશે. હવે બાંગ્લાદેશ કોઈ પણ સંજોગોમાં ભારતથી આગળ નીકળી શકે તેમ નથી. બાંગ્લાદેશનો નેટ રન રેટ હાલમાં -2.489 છે.

અહીં તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં 4 ટીમોના બે ગ્રુપ છે. જો આ બંને ગ્રુપમાંથી બે ટીમ ટોપ પર રહેશે તો તેમને સેમિફાઈનલમાં જગ્યા મળશે. ગ્રુપ-1માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. વેસ્ટ ઈન્ડિઝ, USA, દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગ્રુપ-2માં રાખવામાં આવ્યા છે.

T-20 વર્લ્ડ કપ 2024માં બાકીની મેચોનું શેડ્યૂલ: 23 જૂન-USA વિરુદ્ધ ઈંગ્લેન્ડ-બાર્બાડોસ-8 વાગ્યે, 24 જૂન-વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા-એન્ટિગુઆ-6 વાગ્યે, 24 જૂન-ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત-સેન્ટ લુસિયા-8 વાગ્યે, જૂન 25-અફઘાનિસ્તાન વિ બાંગ્લાદેશ-સેન્ટ વિન્સેન્ટ-6 વાગ્યે, 27 જૂન-સેમિફાઇનલ 1-ગુયાના-6 વાગ્યે, 27 જૂન-સેમિફાઇનલ 2-ટ્રિનિદાદ-8 વાગ્યે, 29 જૂન-ફાઇનલ-બાર્બાડોસ-8 વાગ્યે. (તમામ મેચનો સમય ભારતીય સમય મુજબ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp