9 વર્ષ પછી RCB અને RR વચ્ચે રમાશે એલિમિનેટર, ગઇ વખતે કોણ જીત્યું?

PC: etvbharat.com

ઈન્ડિયન પ્રીમિયર લીગની એલિમિનેટર મેચની દરેક જણ રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ એ જોવા માંગે છે કે શું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઈનલ તરફ આગળ વધશે કે પછી શાનદાર શરૂઆત બાદ ફસકી ગયેલી રાજસ્થાન રોયલ્સ જીતશે. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનને બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફમાં આત્મવિશ્વાસથી ભરપૂર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે, જે ચમત્કારિક પ્રદર્શન સાથે અહીં પહોંચી છે. છેલ્લી વખત બંને ટીમો એલિમિનેટરમાં 2015માં સામસામે આવી હતી.

એક સમયે એવું લાગતું હતું કે, રોયલ્સ ટોપ બેમાં હશે, પરંતુ સતત ચાર હારનો સામનો કરવો પડ્યો હતો. KKR સામેની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ જવાને કારણે તે સનરાઈઝર્સ હૈદરાબાદ પછી બીજા ક્રમે રહી હતી. બીજી તરફ, RCB ચમત્કારિક રીતે પ્લેઓફમાંથી બહાર થવાની અણી પર રહીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. પ્રથમ આઠ મેચોમાંથી સાતમાં હાર્યા પછી ફાફ ડુ પ્લેસિસની ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે.

રોયલ્સ ચાર હાર અને એક વરસાદ વિક્ષેપિત મેચ પછી અહીં પહોંચી છે, જ્યારે RCBએ સતત છ જીત નોંધાવીને તેના હરીફ માટે ખતરાની ઘંટડી વગાડી છે. 2008માં IPLની પ્રથમ સિઝનની ચેમ્પિયન રોયલ્સ થોડા અઠવાડિયા પહેલા ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ છેલ્લી ચાર મેચમાં તેની બેટિંગ અને બોલિંગની નબળાઈઓ સામે આવી હતી.

જોસ બટલરની ઇંગ્લેન્ડ પરત ફરવાથી તેની બેટિંગ પર અસર પડી છે. હવે યશસ્વી જયસ્વાલ (348 રન), કેપ્ટન સેમસન (504 રન) અને રિયાન પરાગ (531 રન)ને વધારાની જવાબદારીઓ નિભાવવી પડશે. સેમસન અને પરાગ ઉપરાંત ઇંગ્લેન્ડના ટોમ હોલર કેડમોર પાસેથી પણ સારી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવશે, જે જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. શિમરોન હેટમાયર નીચલા ક્રમને મજબૂત બનાવી શકે છે, જો કે તે આ સિઝનમાં અત્યાર સુધી બેટથી અજાયબી કરી શક્યો નથી.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અન્ય મેદાનની જેમ બેટ્સમેન માટેનું સ્થાન નથી, તેથી રોયલ્સના બોલરો ઉપયોગી સાબિત થઈ શકે છે. આ મેદાન પર, આ સિઝનમાં 12 ઇનિંગ્સમાં માત્ર બે વાર સ્કોર 200ને પાર કરી શક્યો છે, જેનો અર્થ એ છે કે, શિસ્તબદ્ધ બોલિંગ કરનારી ટીમનો હાથ ઉપર રહી શકે છે.

બીજી તરફ RCBના વિરાટ કોહલીએ આ સિઝનમાં 14 મેચમાં 708 રન બનાવ્યા છે અને તે ટ્રમ્પકાર્ડ સાબિત થઈ શકે છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ ફોર્મમાં પરત ફર્યો છે, જ્યારે રજત પાટીદારે પણ પાંચ અડધી સદી ફટકારી છે. ઈંગ્લેન્ડના વિલ જેક્સના જવાથી RCB પર કોઈ અસર થઈ નથી, કારણ કે દિનેશ કાર્તિક નીચલા ક્રમમાં 195થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. છેલ્લી મેચમાં યશ દયાલે ચેન્નાઈ સુપર કિંગ્સના મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા સામે શાનદાર છેલ્લી ઓવર નાખીને ટીમને જીત અપાવી હતી. તે આ લયને જાળવી રાખવા માંગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp