ભારત સામે હાર બાદ બટલરે જણાવ્યું- ક્યાં ચૂક રહી ગઈ
ભારતીય ટીમ ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. 27 જૂન ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. હવે ફાઈનલ મેચમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ 29 જૂને બ્રિઝટાઉન બાર્બાડોસમાં રમાવાની છે.
સેમીફાઈનલ મેચમાં ભારત સામે હાર્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરની પીડા સ્પષ્ટ દેખાઈ હતી. બટલરે કહ્યું હતું કે તેની ટીમે ભારતને 20-25 રન વધુ બનાવવા દીધા, જે મોંઘા સાબિત થયા. આ સાથે બટલરે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો.
જોસ બટલરે મેચ બાદ કહ્યું હતું કે ભારતે ચોક્કસપણે અમને હરાવ્યું. અમે તેમને 20-25 વધુ રન બનાવવા દીધા. તે એક પડકારજનક પીચ હતી જેના પર ભારતીય ટીમ સારી રમી હતી. તેઓએ અમને હરાવ્યા અને જીતના સંપૂર્ણ હકદાર હતા. 2022ની સરખામણીમાં સંજોગો ઘણા અલગ હતા, આનો શ્રેય ભારતને જાય છે.
બટલરે કહ્યું કે, વરસાદને કારણે પરિસ્થિતિમાં આટલો બદલાવ આવશે એવી અપેક્ષા નહોતી. મને નથી લાગતું કે ટોસ ટીમો વચ્ચે કોઈ તફાવત હતો. તેમની પાસે કેટલાક મહાન સ્પિનરો છે. અમારા બે ખેલાડીઓ રાશિદ અને લિવિંગસ્ટને સારી બોલિંગ કરી. જે રીતે સ્પિન થઈ રહી હતી, અમે મોઈનને તે પ્રમાણે બોલિંગ કરાવવી જોઈતી હતી. બટલરે કહ્યું, ભારતનો સ્કોર એવરેજ કરતાં સારો હતો અને શાનદાર બોલિંગ આક્રમણને કારણે તે હંમેશાં મુશ્કેલ લક્ષ્ય બની જતું હતું. તમારી સામે જે મુકવામાં આવ્યું છે તે જ તમે રમી શકો છો, અમે સ્પર્ધા દરમિયાન પ્રતિકૂળતાનો સામનો કર્યો હતો, તેમ છતાં અમે એક જૂથ તરીકે એકજૂટ રહ્યા હતા. કેટલીક જગ્યાએ ખૂબ સારું ક્રિકેટ રમ્યું, પરંતુ જ્યારે તે સૌથી વધુ મહત્વનું હતું, ત્યારે અમે પાછળ રહી ગયા.
આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને ત્રણ ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે માત્ર હેરી બ્રુક (25 રન), જોસ બટલર (23 રન), જોફ્રા આર્ચર (21 રન) અને લિયામ લિવિંગસ્ટન (11 રન) જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને બે સફળતા મળી હતી અને 2 ખેલાડી રનઆઉટ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp