હાર બાદ રોહિતે કહ્યું- દર વખતે અશ્વિન અને જાડેજા જ...

PC: twitter.com

ઘરઆંગણે 12 વર્ષ પછી ટેસ્ટ સીરિઝમાં હાર મળ્યા બાદ રોહિત શર્મા નિરાશ છે. તેણે કહ્યું હતું કે, તમે રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિન પાસેથી રન બનાવવા અને વિકેટ લેવા માટે ઘણી અપેક્ષા રાખો છો. જો કે બંનેએ ભારત માટે ઘણી વાર આવું કર્યું છે, પરંતુ દર વખતે આપણને મેચ જીતાડવાની જવાબદારી ફક્ત એ બંનેની નથી. ટીમમાં હાજર અન્ય ખેલાડીઓએ પણ આગળ આવવું પડશે. કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે પણ હાથ ઉંચા કરવા પડશે. જો કોઈ વ્યક્તિ એકવાર નિષ્ફળ જાય છે, તો તેનો અર્થ એ નથી કે તેણે કંઈક ખોટું કર્યું છે. બંનેએ ઘણું ક્રિકેટ રમ્યું છે અને તેઓ જાણે છે કે તેઓ શું કરી શકે છે.

રોહિત શર્માએ કહ્યું કે અમે 12 વર્ષથી જીતી રહ્યા છીએ. ભારતમાં ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે કે અમે દરેક મેચ જીતીશું અને આમાં ફેન્સની ભૂલ નથી. અમે છેલ્લા કેટલાય વર્ષોમાં આ કર્યું છે, જેના કારણે લોકો અમારી પાસેથી ઊંચા સ્તરની અપેક્ષા રાખવા લાગ્યા છે. અમે 18 સીરિઝ જીતી છે. તેનો અર્થ એ કે અમે વધુ સારું ક્રિકેટ રમ્યા. એવું નથી કે આ બે ટેસ્ટ મેચમાં અમે ખરાબ રમ્યા, બસ એટલું જ છે કે અમે બનાવેલી યોજનાઓ સફળ ન થઈ અને પછી વિરોધી ટીમ પણ અમને આટલા વર્ષોથી રમતા જોઈ રહી છે. તેઓ પણ તૈયારી કરીને આવે છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો. પૂણે ટેસ્ટમાં હાર સાથે જ ભારતીય ટીમે સીરિઝ પણ ગુમાવી દીધી છે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી વખત ભારતીય ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતવામાં સફળ થઈ છે. જોવા જઈએ તો આ મેદાન પર ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી. આ સીરિઝની પહેલી મેચ બેંગ્લોરમાં 16 ઓક્ટોબરથી રમાઈ હતી, જેમાં રોહિતની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 8 વિકેટે હાર મળી હતી.

પહેલી ટેસ્ટ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ભારતે બીજી ઇનિંગમાં 359 રન ચેઝ કરવા ઉતરી તો શરૂઆત શાનદાર થઈ, પરંતુ રોહિત શર્મા ફરી એક વખત સસ્તામાં આઉટ થઈ ગયો. એ સમયે ભારતીય ટીમનો સ્કોર 34 રનનો હતો. શુભમન ગિલ સંભાળીને રમી રહ્યો હતો, પરંતુ તે લંચ બાદ જ સેન્ટનરની ફિરકીમાં ફસાઈને આઉટ થઈ ગયો. ભારતીય ઇનિંગ દરમિયાન જાયસ્વાલે 41 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કોઈ ભારતીયની સૌથી ફાસ્ટ અડધી સદી હતી.

જાયસ્વાલ સારા ટચમાં નજરે પડી રહ્યો હતો, પરંતુ તે પણ 77 રન પર સેન્ટનરની ઓવરમાં આઉટ થઈ ગયો. જાયસ્વાલ મેચમાં સેન્ટનરની 10મી વિકેટ હતો. ત્યારબાદ 127ના જ સ્કોર પર પંત (0) રન આઉટ થઈ ગયો. કોહલી પણ 17 રન પર સેન્ટનરની ઓવરમાં LBW થઈ ગયો. કોહલી જ્યારે આઉટ થયો તો ટીમનો સ્કોર 147/5 થઈ ગયો. ત્યારબાદ સેન્ટનરનું મેજિક ફરી એક વખત ચાલ્યું અને તેણે સરફરાજ ખાનને ક્લીન બોલ્ડ કરી દીધો.

ભારતની સાતમી વિકેટ વોશિંગટન સુંદર (21)ના રૂપમાં પડી. જે ગ્લેન્ડ ફિલિપ્સન બૉલ પર શોર્ટ લેગમાં વિલ યંગને કેચ પકડાવી બેઠો. સુંદર જ્યારે આઉટ થયો તો ભારતીય ટીમનો સ્કોર 167/7 થઈ ગયો. ત્યારબાદ જાડેજા અને અશ્વિને ભારતીય ઇનિંગ સાંભળવાનો પ્રયાસ કર્યો, પરંતુ અશ્વિન 18 રન બનાવીને આઉટ થઈ ગયો. એ ભારતીય ટીમની 8મી વિકેટ હતી. પછી એજાજ પટેલે આકાશ દીપને આઉટ કરીને ભારતની 9મી વિકેટ પણ પાડી દીધી. અને અંતે એજાજ પટેલે રવિન્દ્ર જાડેજાની વિકેટ લઇને ન્યૂઝીલેન્ડને જીત અપાવી દીધી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp