અક્ષરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, શા માટે દિલ્હી કેપિટલ્સ હારી,આમને જવાબદાર ગણાવ્યા

PC: BCCI

અક્ષર પટેલની કપ્તાની હેઠળ, દિલ્હી કેપિટલ્સ IPL 2024ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારી ગઈ હતી. અક્ષર પટેલે બેટથી સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહીં. હાર પછી રિષભ પંતના પ્રતિબંધના કારણે કેપ્ટનશીપ કરી રહેલા અક્ષર પટેલે સ્પષ્ટ શબ્દોમાં હારનું કારણ સમજાવ્યું હતું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે IPL 2024ની મહત્વપૂર્ણ મેચમાં દિલ્હી કેપિટલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. રિષભ પંત પ્રતિબંધને કારણે આ મેચમાં રમ્યો ન હતો. કાર્યકારી સુકાની અક્ષર પટેલે ટીમની 47 રનની હાર પછી કહ્યું હતું કે, તેમણે વિપક્ષ ટીમને 150 રન સુધી સીમિત રાખવું જોઈતું હતું. આ હાર સાથે દિલ્હી કેપિટલ્સની પ્લેઓફમાં જવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે.

અક્ષર પટેલના મતે, ખરાબ ફિલ્ડિંગના કારણે દિલ્હી કેપિટલ્સ હારી ગઈ હતી. તેની ટીમે RCB સામે ત્રણ ઓવરમાં ચાર કેચ છોડ્યા હતા. અક્ષરે પોતે આમાં બે કેચ છોડ્યા હતા. તેણે મેચ પછી કહ્યું, 'કેચ છોડવાને કારણે અમને નુકસાન થયું. તેમને 150 રન સુધી અમે રોકી શક્યા હોત. જ્યારે તમે પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવી દો છો ત્યારે તમે હંમેશા મેચમાં પાછળ પડી જાવ છો.'

અક્ષર પટેલે જણાવ્યું કે બોલ પિચમાં રોકાયને આવી રહ્યો હતો. આગળ વાત કરતાં તેણે કહ્યું, '160-170 રન સ્પર્ધાત્મક સ્કોર હોત. પીચમાંથી અમુક બોલ રોકાઈને આવી રહ્યા હતા. કેટલાક બોલ ઝડપથી આવી રહ્યા હતા અને કેટલાક અટકી અટકીને આવી રહ્યા હતા. જ્યારે તમારા મુખ્ય ખેલાડીઓ રન આઉટ થાય છે અને તમે પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવો છો, ત્યારે તે મુશ્કેલ બની જાય છે.'

RCBના 188 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીની ટીમ અક્ષર (39 બોલમાં 57 રન, પાંચ ચોગ્ગા, ત્રણ છગ્ગા)ની અડધી સદી અને શાઈ હોપ (29) સાથે તેની પાંચમી વિકેટની 56 રનની ભાગીદારી છતાં 19.1 ઓવરમાં 140 રન પર સમેટાઈ ગઈ હતી. આ પહેલા, રજત પાટીદારે 32 બોલમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 52 રનની ઇનિંગ રમવા, ઉપરાંત વિલ જેક્સ (29 બોલમાં 41 રન, ત્રણ ચોગ્ગા, બે છગ્ગા) સાથે ત્રીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી પણ કરી હતી. જેની મદદથી RCBએ નવ વિકેટે 187 રન બનાવ્યા હતા. દિલ્હીએ આ બંને બેટ્સમેનોના કેચ છોડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp