ટિકિટ ખરીદી લીધી, હોટલ બુક છતા પાકિસ્તાની ભારતમાં વર્લ્ડ કપ જોવા નહીં આવી શકે

PC: twitter.com

ICC મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓકટોબરથી થઇ ગઇ છે અને આ વખતે ભારત યજમાન દેશ છે. શુક્રવારે પાકિસ્તાન નેધરલેન્ડ સામે રમી રહ્યું છે અને 14 ઓકટોબરે ભારત સામે અમદાવાદમાં મેચ છે.

ભારતમાં મેચ હોવાને કારણે પાકિસ્તાનના લોકો ઉત્સાહિત છે, કારણકે તેમને ભારત જોવા મળી શકે અને સાથે પાકિસ્તાનની મેચ પણ જોવા મળી શકે. કેટલાંક લોકો એવા છે જેમણે વર્લ્ડકપની ટિકીટ ખરીદી લીધી છે, હોટલ બુકીંગ કરાવી લીધું છે, ફલાઇટની ટિકીટ પણ લઇ લીધી છે, પરંતુ સમસ્યા એ છે કે પાકિસ્તાનીઓ માટે ભારતના વિઝા હજુ ખુલ્યા જ નથી.

પાકિસ્તાનના જિશાન નામના યુવાને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, ભારતમાં 3 મેચ જોવા માટે મેં ટિકીટ ખરીદી છે, જેમાં પાકિસ્તાનની ભારત સાથેની,શ્રીલંકા સામેની એમે અફઘાનિસ્તાન સામેની મેચ સામેલ છે. તેણે ટિકીટ ખરીદી લીધી છે, હોટલ બુકીંગ, ફલાઇટ બુક કરાવી દીધા છે, પરંતુ હજુ સુધી પાકિસ્તાનીઓ માટે વિઝા ખોલવામાં આવ્યા નથી તેથી જિશાન ભારત આવી શક્યો નથી.

જિશાને કહ્યુ કે સેંકડા પાકિસ્તાની કિક્રેટ પ્રેમીઓ ભારતમાં વર્લ્ડકપ મેચ જોવા માટે આતુર છે અને વિઝાની રાહ જોઇને બેઠા છે. દુનિયાભરથી હજારો ક્રિક્રેટ પ્રેમીઓ ભારત આવી રહ્યા છે.

જિશાને મીડિયાને કહ્યુ કે મેં એક ટિકીટ 27000 રૂપિયામાં ખરીદી છે.

નિયમો મુજબ, જો તમે ભારતના વિઝા મેળવવામાં રસ ધરાવો છો, તો તમારી પાસે તમારા કાર્ડ પર ખરીદેલી મેચની ટિકિટ હોવી આવશ્યક છે જ્યારે વિઝા માટે હોટેલ બુકિંગ કન્ફર્મેશન બતાવવું પણ જરૂરી છે.

જિશાને કહ્યુ કે, દરરોજ એવી આશા હોય છે કે કદાચ આજે ભારતના વિઝા આવશે, પરંતુ હવે આશા નિરાશામાં ફેરવાઈ રહી છે.

જિશાન જેવા અનેક લોકો છે જે પાકિસ્તાનથી ભારત આવવા માંગે છે. પાકિસ્તાનના સામાન્ય લોકોને તો વિઝા મળતા જ નથી, પરંતુ સ્પોર્ટસનું રિપોર્ટીંગ કરતા પત્રકારોને પણ હજુ સુધી વિઝા મળી શક્યા નથી.

થોડા દિવસો પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાની પત્રકારો અને ક્રિકેટ ચાહકોને કેટલા વિઝા આપવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિદેશ મંત્રાલય અને ICC વિઝાની સંખ્યા પર કામ કરી રહ્યા છે.BCCIએ કહ્યું, અમે કેટલાક પાકિસ્તાની ક્રિકેટ ચાહકોને વર્લ્ડ કપ મેચો માટે વિઝા આપીશું.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે ICCને ઈમેલ પણ મોકલ્યો છે. જેમાં તેણે વર્લ્ડ કપની યજમાની કરી રહેલા દેશની આચારસંહિતાનો ઉલ્લેખ કર્યો છે. બોર્ડે કહ્યું છે કે પાકિસ્તાની પત્રકારો અને ક્રિકેટ ચાહકોને અત્યાર સુધી વિઝા ન આપવા એ નિયમોનું ઉલ્લંઘન છે.

પાકિસ્તાનની એક ખાનગી ચેનલના પત્રકારે કહ્યું હતું કે તેમણે વર્લ્ડકપ મેચના રિપોર્ટીંગ માટે હોટલ બુકીંગ, ફલાઇટ બધું બુક કરાવ્યું હતું, પરંતુ વિઝા ન મળ્યા એટલે બધુ કેન્સલ કરાવી દીધું છે.

ભારતની વિઝા પોલીસી હજુ સુધી સ્પષ્ટ નથી અને વિઝા આપવા માટે કોઇ સમય પણ નક્કી કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp