IPLમાં કોમેન્ટેટર્સ-ખેલાડીઓથી પરેશાન BCCI, હવે 9 લાખનો દંડ કરવાની તૈયારી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન તેની રોમાંચક મેચો સાથે આગળ વધી રહી છે. રવિવાર (14 એપ્રિલ) સુધી IPLમાં 29 મેચ રમાઈ છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન IPLની ટીમો, ખેલાડીઓ અને કોમેન્ટેટર્સ ખૂબ જ સક્રિય દેખાય છે. તે સતત મેચ દરમિયાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
બસ આ જ બાબત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બ્રોડકાસ્ટર્સને પસંદ નથી. હકીકતમાં, IPL ટીમો, ખેલાડીઓ અને કોમેન્ટેટર્સના ફોટા અને વીડિયો શેર કરવાને નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે.
પ્રસારણ અધિકાર ધારકોને આના કારણે સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જો કોઈ આવું કરે છે તો તે નિયમોની વિરુદ્ધ છે અને તેનાથી બ્રોડકાસ્ટર્સને નુકસાન પણ થાય છે. જેના કારણે BCCIએ આવો આદેશ જાહેર કર્યો છે.
હકીકતમાં, તાજેતરમાં ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેને કોમેન્ટ્રી દરમિયાન એક ફોટો લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ કોમેન્ટેટરના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. થોડા સમય પછી, BCCI સ્ટાફ મેમ્બરે તે ફોટો ડિલીટ કરવાનો આદેશ આપ્યો.
પરંતુ કોમેન્ટેટરે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. નિયમોનો ઉલ્લેખ કરીને સ્ટાફ મેમ્બરે વારંવાર કોમેન્ટેટરને ફોટો ડિલીટ કરવા કહ્યું. ઘણી વખત કહ્યા પછી આ ફોટો ડિલીટ થઈ ગયો. અહીં તમને જણાવી દઈએ કે Star India અને Viacom 18 પાસે ડિજિટલ રાઈટ્સ છે. આ સ્થિતિમાં, બધું જ તેમનું છે.
મીડિયા સૂત્રો અનુસાર, BCCIએ દરેકને આ આદેશ આપ્યો છે કે, જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેણે તેની ભરપાઈ કરવી પડશે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો 9 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.
તાજેતરમાં જ એક કોમેન્ટેટર સ્ટેડિયમમાંથી ઇન્સ્ટાગ્રામ લાઇવ કર્યું હતું, જેને મિલિયન વ્યુઝ મળ્યા છે. જ્યારે, લાઇવ મેચ દરમિયાન વીડિયો પોસ્ટ કરવા બદલ IPL ટીમ પર 9 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
BCCIના અધિકારીએ કહ્યું કે, IPL ટીમોને મેચના ફૂટેજ અથવા વીડિયો લેવાની અને શેર કરવાની મંજૂરી નથી, પરંતુ તેઓ મેચના દિવસે મર્યાદિત ફોટા પોસ્ટ કરી શકે છે. બ્રોડકાસ્ટરોએ IPLના અધિકારો માટે મોટી રકમ ચૂકવી છે.
તેથી, કોમેન્ટેટર્સ મેચના દિવસે સોશિયલ મીડિયા પર વીડિયો કે તસવીરો પોસ્ટ કરી શકતા નથી. તેઓ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માત્ર મર્યાદિત રીતે ચિત્રો પોસ્ટ કરી શકે છે અને લાઇવ મેચ અપડેટ્સ આપી શકે છે. આવી સ્થિતિમાં જો દોષી સાબિત થશે તો ફ્રેન્ચાઈઝી પર દંડ ફટકારવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp