અમે આના કારણે...કેપ્ટને જણાવ્યું U19 વર્લ્ડ કપ હારનું કારણ, હ્યુગ વેગને ભારતના..
છેલ્લા 9 મહિનામાં ત્રીજી વખત ઓસ્ટ્રેલિયાના કારણે ભારતીય ચાહકોની આંખો ભીની થઈ ગઈ છે. વરિષ્ઠ કાંગારૂ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવ્યા ત્યાર પછી, તેમની અંડર-19 ટીમે વર્લ્ડ કપ ટાઇટલ મેચમાં પણ ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું. આ ત્રણેય ટૂર્નામેન્ટ દરમિયાન ભારત માટે એક બાબત સામાન્ય રહી હતી કે, ફાઈનલ પહેલા ટીમનું પ્રદર્શન પ્રભુત્વ ધરાવતું હતું, પરંતુ ટાઈટલ મેચમાં કાંગારૂઓએ ભારતને પરાજય આપ્યો હતો. અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ આવું જ કંઈક થયું હતું.
ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન પછી ફાઇનલમાં પ્રવેશી હતી, પરંતુ છેલ્લા સ્ટેજમાંથી ચૂકી ગઈ હતી. ભારતને રવિવારે ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના હાથે 79 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 253/7 હતો અને ભારતનો દાવ 43.5 ઓવરમાં 174 રનમાં સમેટાઈ ગયો હતો. આદર્શ સિંહ (47) અને મુરુગન અભિષેક (42)એ ઘણો સંઘર્ષ કર્યો પરંતુ બીજા છેડેથી તેમને વધુ સમર્થન મળ્યું નહીં. ભારતે 100 રન પહેલા જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય કેપ્ટન ઉદય સહારને કહ્યું કે, રેશ શોટ રમવાનું અમને ઘણું મોંઘુ પડી ગયું.
સહારને ફાઈનલ પછી કહ્યું, 'તે ખૂબ જ સારી ટુર્નામેન્ટ હતી. મને મારા સાથીદારો પર ખૂબ ગર્વ છે. દરેક વ્યક્તિ ખૂબ જ સારી રીતે રમ્યો. દરેક વ્યક્તિએ શરૂઆતથી જ સારી લડાઈની ભાવના દર્શાવી હતી.' ઓસ્ટ્રેલિયાની બોલિંગનો સામનો કરવા પર સહારને કહ્યું, 'અમે કેટલાક રેશ શોટ રમતા રમતા આઉટ થઈ ગયા, ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યા નહીં. અમે તૈયારીઓ કરી હતી પરંતુ તેનો અમલ કરી શક્યા નથી. ટુર્નામેન્ટમાં શરૂઆતથી લઈને ફાઈનલ સુધી ઘણું બધું શીખવા મળ્યું. સપોર્ટ સ્ટાફ પાસેથી ઘણું શીખ્યા. હવે અમને શીખતા રહેવાની અને આગળ વધવાની જરૂર છે.' અહીં તમને જણાવી દઈએ કે, સહારન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 7 મેચમાં 397 રન બનાવ્યા હતા. પરંતુ ફાઈનલમાં સહારનનું બેટ કામ નહોતું કર્યું, જેમાં તે માત્ર 8 રનનો સ્કોર કરી શક્યો.
જ્યારે, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હ્યુગ વેગને ભારતના વખાણ કર્યા અને તેને એક શાનદાર ટીમ ગણાવી. તેણે કહ્યું, 'ભારત એક ક્લાસ ટીમ છે, જેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. એ અલગ વાત છે કે, આજે તેઓ હારેલા પક્ષ છે. અમને વિશ્વાસ હતો કે, જો અમે બોર્ડ પર 250નો સ્કોર લગાવવામાં સફળ થઈશું તો અમે તેનો બચાવ કરી શકીશું.' કાંગારૂ કેપ્ટને હરજસ સિંહ (55)ના વખાણ કર્યા, જેણે ઓસ્ટ્રેલિયા માટે મહત્વની અડધી સદી ફટકારી હતી. વેબગેને કહ્યું કે, 'તે ગુણવત્તાયુક્ત ખેલાડી છે. તેનું રમવાનું એકસરખું રહ્યું, હરજસને સમર્થન આપવાનો સંપૂર્ણ શ્રેય કોચને જાય છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp