કેપ્ટન સૂર્યકુમારની એક ભૂલ ટીમને પડી ભારે, આ નિર્ણય બન્યો હારનું મોટું કારણ!
ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે આફ્રિકન ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જેને લીધે ટીમ ઈન્ડિયાને મેચ હારીને તેનું પરિણામ ચુકવવું પડ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 124 રન જ બનાવી શકી હતી. આ પછી આફ્રિકાએ 19મી ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સ્પિન બોલરો વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ ઇન્ડિયાને મૅચમાં પાછા લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૂર્યકુમાર યાદવના એક નિર્ણયે આખી મેચનો રસ્તો જ બદલી નાખ્યો.
સ્પિનર વરુણ ચક્રવર્તીએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મેચમાં 5 વિકેટ લીધી અને ચાર ઓવરના ક્વોટામાં માત્ર 17 રન આપ્યા. આ સિવાય રવિ બિશ્નોઈએ પણ ચાર ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ બંને ખેલાડીઓએ આફ્રિકન બેટ્સમેનોને ચારે બાજુથી બાંધીને રાખ્યા હતા અને તેમને ફ્રી થઈને ફટકા મારવા દીધા ન હતા. આફ્રિકાએ 86 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી અને તે મેચ જીતવા માટે સંઘર્ષ કરી રહી હતી. આવી સ્થિતિમાં દરેકને આશા હતી કે, ટીમ ઈન્ડિયા અહીંથી મેચ જીતી જશે. સ્પિનરોને પીચમાંથી ઘણી મદદ મળી રહી હતી અને ભારતીય સ્પિનરો બેટ્સમેન પર છવાઈ ગયા હતા.
પરંતુ ત્યારપછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટો નિર્ણય લીધો અને 17મી, 18મી અને 19મી ઓવર ઝડપી બોલરો દ્વારા ફેંકવામાં આવી અને અહીંથી આખી મેચ પલટાઈ ગઈ હતી. જ્યારે સુપરસ્ટાર સ્પિનર અક્ષર પટેલની ત્રણ ઓવર બાકી હતી. જ્યારે આ પહેલા મેચમાં અક્ષરે માત્ર એક ઓવર નાંખી હતી અને તેમાં તેણે બે જ રન આપ્યા હતા. આવી સ્થિતિમાં, સૌથી મોટો સવાલ એ છે કે, સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર સૂર્યાએ અક્ષરને માત્ર એક જ ઓવર શા માટે કરાવી? જ્યારે ઝડપી બોલર અર્શદીપ સિંહ મોંઘો સાબિત થયો અને તેણે પોતાની ચાર ઓવરમાં 41 રન આપ્યા. બીજી તરફ અવેશ ખાને 3 ઓવરમાં 23 રન આપ્યા હતા. ડેથ ઓવરોમાં ફાસ્ટ બોલરો સાથે બોલિંગ કરવાનો સૂર્યાનો નિર્ણય ટીમ ઈન્ડિયા માટે મોંઘો સાબિત થયો અને ભારતને હારનો સામનો કરવો પડ્યો.
નબળી કેપ્ટનશિપ ઉપરાંત સૂર્યકુમાર યાદવ બેટિંગમાં પણ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. તેણે મેચમાં 9 બોલમાં માત્ર ચાર રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 27 રનનું યોગદાન આપ્યું હતું. તિલક વર્માએ 20 રન બનાવ્યા હતા. હાર્દિક અંત સુધી વિકેટ પર રહ્યો અને તેના કારણે જ ટીમ ઈન્ડિયા 124 રન બનાવવામાં સફળ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp