ક્રિકેટરોએ રમવાનું છોડી નમાઝ પઢી, અમ્પાયરે મેચ બંધ કરાવી,પાણી-ખજૂરથી રોઝા છોડ્યા

PC: timesnownews.com

ક્રિકેટના મેદાનમાં જ્યારે ખેલાડીઓ મેચ અધવચ્ચે જ રોકીને નમાઝ અદા કરવા લાગે ત્યારે આવું ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યારે લાઇવ ક્રિકેટ મેચને અધવચ્ચે અટકાવવામાં આવે છે, ત્યારપછી બેટિંગ કરી રહેલા બે બેટ્સમેન ઘૂંટણ પર બેસીને નમાઝ અદા કરે છે અને ત્યાર પછી રોઝા ખોલે છે. જ્યારે આ બંને બેટ્સમેનો મેદાન પર બધાની સામે આવું કરે છે, તે જ સમયે ડ્રેસિંગ રૂમમાં પણ તેમની ટીમના તમામ ખેલાડીઓ રોઝા ખોલતા જોવા મળે છે. ગ્રાઉન્ડ પર ઈફ્તાર કરતા ક્રિકેટરોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી અને છેલ્લી ODI આંતરરાષ્ટ્રીય મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. અફઘાનિસ્તાને આ મેચ 117 રને જીતીને શ્રેણી 2-0થી કબજે કરી હતી. શ્રેણીની બીજી વનડે મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ત્રીજી વનડેમાં જ્યારે અફઘાનિસ્તાનના બેટ્સમેન હશતુલ્લાહ શાહિદી અને મોહમ્મદ નબી બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે મેદાન પર અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યારે અમ્પાયરે લાઈવ મેચને થોડીવાર માટે અટકાવી, તો કોઈને સમજ ન પડી કે રમત કેમ બંધ કરવામાં આવી. આ પછી તરત જ બેટિંગ કરી રહેલા શાહિદી અને નબીએ પોતાનું બેટ અને ગ્લોવ્ઝ કાઢીને જમીન પર બેસી ગયા. આ પછી નબીએ પહેલા નમાઝ અદા કરી અને પછી ખજૂર ખાઈને રોઝા ખોલ્યા. શાહિદી પણ ઘૂંટણિયે બેસીને પોતાનો રોઝા ખોલતો જોવા મળ્યો હતો.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જ્યારે અફઘાનિસ્તાનના બંને બેટ્સમેનો મેદાન પર રોઝા ખોલી રહ્યા હતા, તે જ સમયે તેમના સાથી ખેલાડીઓ અફઘાનિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં એકસાથે રોઝા ખોલતા જોવા મળ્યા હતા. પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. આ સમયે મુસ્લિમ સમુદાયના લોકો સવારે ઉઠીને સેહરી ખાય છે, જ્યારે તેઓ કંઈપણ ખાધા-પીધા વગર દિવસભર ઉપવાસ રાખે છે. સાંજે એટલે કે સૂર્યાસ્ત પછી તેઓ ઈફ્તાર કરે છે, એટલે કે તેમનો રોઝા ખોલે છે. સેહરી અને ઇફ્તાર માટે જે સમય નિર્ધારિત હોય છે, તેને તે સમયે જ કરવામાં આવે છે.

ત્રીજી વનડેમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીના 69 રન અને રહેમાનુલ્લા ગુરબાઝના 51 રનની મદદથી 9 વિકેટે 236 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ 48 રનની ઇનિંગ રમી હતી. 237 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આયરિશ ટીમ 35 ઓવરમાં 115 રનમાં સમેટાઈ ગઈ હતી. આયર્લેન્ડ તરફથી કેપ્ટન પોલ સ્ટર્લિંગે 50 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નબીએ 5 વિકેટ લીધી હતી જ્યારે નનગયાલ ખારોટીએ 4 આઇરિશ ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp