ધોનીની ટીમ માટે માઠા સમાચાર, આ ખેલાડીની થશે સર્જરી, IPLમાં રમવું મુશ્કેલ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની શરૂઆત 22 માર્ચથી થવા જઇ રહી છે. IPLની શરૂઆત અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવે ઇજાના કારણે 8 અઠવાડિયા માટે ક્રિકેટિંગ એક્શનથી દૂર રહેવાનો છે. એવામાં તેનું IPL 2024માં રમવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. ડેવોન કોનવેની ડાબા અંગૂઠાની સર્જરી થશે, જેના કારણે ઘણા અઠવાડિયા સુધી ફિલ્ડ પર નહીં ફરે.

ડેવોન કોનવેને હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી T20 મેચમાં વિકેટકીપિંગ કરવા દરમિયાન અંગૂઠામાં ઇજા થઈ હતી. ઇજાના કારણે ડેવોન કોનવેને તરત જ મેદાન છોડવું પડ્યું હતું. ઇજાના કારણે તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં પણ ન રમી શક્યો. એકસ-રેમાં કોઈ મોટું ફ્રેક્ચર જોવા મળ્યું નહોતું. જોકે, આગળના સ્કેન અને વિશેષજ્ઞો સાથે પરામર્શ બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC)એ ડેવોન કોનવેની સર્જરી કરાવવાનો નિર્ણય લીધો છે.

ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટીડે કહ્યું કે, 'કોનવેના અંગૂઠાની જોડમાં સામાન્ય ફ્રેક્ચર છે અને તે આ અઠવાડિયે ઓપરેશન કરાવશે. તે 8 અથવડિયામાં ફિટ થાય તેવી આશા છે.' 32 વર્ષીય ડેવોન કોનવેએ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ડેવોન કોનવે IPL 2023માં ચેન્નાઈ માટે સૌથી વધુ 672 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને ઘણી વખત ટીમને શાનદાર શરૂઆત આપી હતી.

ગુજરાત વિરુદ્ધ ફાઇનલમાં પણ કોનવેએ 25 બૉલમાં 47 રનોની ઇનિંગ રમી હતી. ચેન્નાઈએ કોનવેને 2022ના ઓક્શનમાં તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બેટ્સમેને IPLમાં અત્યાર સુધી 23 મેચોમાં 46.12ની એવરેજ અને 141.28ની સ્ટ્રાઈક રેટથી 924 રન બનાવ્યા છે. કોનવે ન્યૂઝીલેન્ડ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે. તેણે અત્યાર સુધી 20 ટેસ્ટ, 32 વન-ડે અને 46 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. IPL 2024માં ચેન્નાઈ પોતાની પહેલી મેચ 22 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં રમશે.

IPL 2024 માટે ચેન્નાઈની ટીમ:

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, મહિશ તીક્ષ્ણા, રવીન્દ્ર જાડેજા, મથિશા પથિરાના, અજિંક્ય રહાણે, મુકેશ ચૌધરી, શિવમ દુબે, દીપક ચાહર, મિચેલ સેન્ટનર, નિશાંત સિંધુ, રાજવર્ધન હંગરગેકર, અજય મંડલ, શેખ રશીદ, સિમરનજીત સિંહ, પ્રશાંત સોલંકી, રચીન રવીન્દ્ર, શાર્દૂલ ઠાકુર, ડેરિલ મિચેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહમાન, અરાવલી અવનીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp