સંજુના પિતા કહે- ધોની-વિરાટ-રોહિતે-દ્રવિડે દીકરાના કરિયરના 10 વર્ષ ખરાબ કર્યા

PC: BCCI

ભારતીય વિકેટકીપર સંજુ સેમસનના પિતા વિશ્વનાથ સેમસને ભારતીય ક્રિકેટના મોટા નામો જેવા કે, વિરાટ કોહલી, MS ધોની, રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, આ પૂર્વ કેપ્ટન અને કોચે સેમસનને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત તકો ન આપીને તેના 10 વર્ષ બરબાદ કરી નાખ્યા. સેમસન હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે અને ચાર મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રમી રહ્યો છે. સેમસને શ્રેણીની પ્રથમ બે મેચમાં સદી ફટકારી હતી, પરંતુ તે પછીની સતત બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો.

કેરળ સ્થિત એક ન્યૂઝ આઉટલેટ સાથેના પોતાના ઇન્ટરવ્યુમાં, વિશ્વનાથ સેમસને પોતે એ વાત પર નિરાશા વ્યક્ત કરી કે, તેના પુત્રનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દાયકો વેડફાઈ ગયો. તેમણે ખાસ કરીને પૂર્વ કેપ્ટન MS ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા તેમજ પૂર્વ કોચ રાહુલ દ્રવિડને નિશાના પર લીધા હતા. વિશ્વનાથે આરોપ લગાવ્યો હતો કે, આ લોકોના નિર્ણયોની અસર સંજુના આંતરરાષ્ટ્રીય કરિયર પર પડી છે. તેમણે કહ્યું, ત્રણ-ચાર લોકો એવા છે, જેમણે મારા પુત્રની કારકિર્દીના મહત્વપૂર્ણ 10 વર્ષ બરબાદ કરી દીધા. જેમાં ધોની જી, વિરાટ જી, રોહિત જી અને કોચ દ્રવિડ જી જેવા કેપ્ટન સામેલ છે. તેઓએ મારા પુત્રના જીવનના 10 વર્ષ બરબાદ કરી નાંખ્યા.' સતત તકો ન મળવા છતાં વિશ્વનાથ સેમસને તેમના પુત્રના દ્રઢ સંકલ્પના વખાણ કરતા કહ્યું કે, 'તેઓએ જેટલું વધારે તેને નુકસાન પહોચાડ્યું છે, તેટલો જ મજબૂત બનીને સંજુ આ કટોકટીમાંથી બહાર આવ્યો હતો.'

વિશ્વનાથે ભારતીય ટીમના વર્તમાન અને પૂર્વ નેતૃત્વની ટીકા કરવા ઉપરાંત પૂર્વ ક્રિકેટર ક્રિસ શ્રીકાંત પર પણ નિશાન સાધ્યું હતું. વિશ્વનાથે શ્રીકાંત પર સંજુની સિદ્ધિઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, 'તમિલનાડુના પૂર્વ ખેલાડી શ્રીકાંતની ટિપ્પણીથી મને સૌથી વધુ દુઃખ થયું છે. તેમણે કહ્યું, 'શ્રીકાંતે કહ્યું કે 'સંજુએ કોની સામે સદી ફટકારી? તે બાંગ્લાદેશ જેવી ટીમ હતી.' સદી તો સદી હોય છે અને શ્રીકાંતે પોતે બાંગ્લાદેશ વિરુદ્ધ ફક્ત 26 રન બનાવ્યા હતા અને સંજુ એ તો સદી ફટકારી છે, અને તે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની જેવો ક્લાસિકલ ટચ ધરાવતો ખેલાડી છે. કંઈ નહીં તો તેમની તો ઈજ્જત કરો.'

સંજુ સેમસન તેના શાંત વર્તન અને નમ્રતા માટે જાણીતો છે અને સામાન્ય રીતે વિવાદોથી બચતો રહે છે. જો કે તેના પિતાના આ નિવેદનો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયા છે. આનાથી ચાહકો અને ક્રિકેટ પંડિતોમાં ચર્ચા થઇ રહી છે. ટીકાઓ છતાં સેમસને હંમેશા ધીરજ બતાવી છે. તે T20 ઈન્ટરનેશનલમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો. જો કે, આ પછી તે ત્યાર પછીની બે T20માં શૂન્ય પર આઉટ થયો હતો અને એક કેલેન્ડર વર્ષમાં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનાર ખેલાડી પણ બન્યો હતો. સેમસને હંમેશા પોતાના નિવેદનોમાં સૂર્યકુમાર અને ગૌતમ ગંભીરના વખાણ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp