કોઈની જિંદગી સાથે ન રમો..તેની કારકિર્દી ખતમ થઈ જશે,ફ્રેન્ચાઈઝી પર કૈફ થયો ગુસ્સે

PC: BCCI

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ કૈફે IPL ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સને અપીલ કરી છે. કૈફને લાગે છે કે, ઈજાગ્રસ્ત યુવા ઝડપી બોલર મયંક યાદવને પરત લાવવામાં ફ્રેન્ચાઈઝી ઉતાવળ કરી રહી છે, જેના કારણે ઉભરતો સ્ટાર મુશ્કેલીમાં છે. મયંક યાદવ લાંબા સમય પછી ઈજામાંથી સાજો થયો અને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વાપસી કરી. આ મેચમાં તે લયમાં જોવા મળ્યો ન હતો. તે પોતાની ચોથી ઓવર પણ પૂરી કરી શક્યો નહોતો. વિકેટ લીધા પછી તે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. ત્યાર પછી તેને વચ્ચેથી જ મેદાનની બહાર જવું પડ્યું હતું. કૈફનું કહેવું છે કે, આના કારણે મયંક યાદવની કારકિર્દી દાવ પર લાગી શકે છે.

મોહમ્મદ કૈફે સોશિયલ મીડિયા X પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં કૈફે મયંક યાદવને લઈને IPL ફ્રેન્ચાઈઝી LSG અને ટીમ મેનેજમેન્ટને અપીલ કરી છે. કૈફે કહ્યું, 'જુઓ, મયંક યાદવ એક મહત્વનો ખેલાડી છે. પરંતુ હું તમને વિનંતી કરું છું કે, જો તે સંપૂર્ણ રીતે ફિટ ન હોય તો તેના પર દબાણ ન કરો. મને લાગે છે કે, તેને દબાણ કરવામાં આવ્યું હતું. તે બોલિંગ કરતા કરતા વચ્ચેથી ફરી વખત બહાર નીકળી ગયો. આવું કામ ઘણી વખત થઇ ચૂક્યું છે.' મયંકની આ IPLની ડેબ્યૂ સિઝન છે. તેણે પ્રથમ બે મેચમાં શાનદાર બોલિંગ કરીને આ સિઝનમાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. પરંતુ ત્રીજી મેચમાં તે બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી તે LSGની 5 મેચોથી દૂર રહ્યો હતો. હવે તેને તે જ જગ્યાએ પાછો દુખાવો થયો છે, જ્યાં તેણે અગાઉ દુખાવાની ફરિયાદ કરી હતી.

લગભગ 3 અઠવાડિયા પછી મેદાન પર પરત ફરેલા મયંક યાદવની ઈજા હજુ પૂરી રીતે ઠીક થઈ નથી તેવું લાગી રહ્યું છે. મોહમ્મદ કૈફ કહે છે કે, આ બોલરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને પરત ફરવા માટે ઉતાવળ ન કરો. કૈફના કહેવા પ્રમાણે, 'હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે, આ એક એવો ફાસ્ટ બોલર છે, જે જો ઈજાગ્રસ્ત થાય છે તો તેની કારકિર્દી દાવ પર લાગી શકે છે. તમે તેને દબાણ કરી રહ્યા છો અને તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકતો નથી. કોઈની જિંદગી સાથે રમત ન કરો. આ તેની કારકિર્દી બગાડી શકે છે.' મયંક યાદવ IPL 2024માં સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલર છે. તે સતત 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે.

મયંક યાદવ 7 એપ્રિલે LSG વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચથી ઈજાના કારણે ટીમની બહાર હતો. આ ઈજા પછી, તે લગભગ 3 અઠવાડિયા પછી મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં દેખાયો, જ્યાં તે 3.1 ઓવર બોલિંગ કર્યા પછી મેદાનની બહાર નીકળી ગયો હતો. તેણે 31 રનમાં 1 વિકેટ લીધી હતી. મયંકને ભારતનો સૌથી ઝડપી બોલર માનવામાં આવે છે. તે ભવિષ્યનો ઉભરતો સ્ટાર ઝડપી બોલર છે. જો કે, આના માટે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp