પાક. મૂળના ખેલાડીને રાજકોટ એરપોર્ટ પર કેમ રોક્યો? ઇંગ્લેન્ડે માની પોતાની ભૂલ

PC: espncricinfo.com

ઇંગ્લિશ ક્રિકેટ ટીમ ફરી એક વખત ભારત આવી ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. શરૂઆતી 2 મેચ બાદ સીરિઝ અત્યારે 1-1ની બરાબરી પર છે. બીજી મેચ હાર્યા બાદ ઇંગ્લિશ ટીમ પ્રેક્ટિસ માટે અબુ ધાબી જતી રહી હતી. પરંતુ હવે ત્રીજી મેચ માટે રાજકોટ પહોંચી ગઈ છે, પરંતુ આ દરમિયાન ઇંગ્લિશ ટીમના સ્ટાર સ્પિનર રેહાન અહમદને વિઝાના કારણોથી રાજકોટ એરપોર્ટ પર રોકી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની મૂળના રેહાન અહમદ પાસે સિંગલ એન્ટ્રી વિઝા જ હતા. આ કારણે તેને એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. રાજકોટ એરપોર્ટ પર ઇંગ્લિશ ક્રિકેટર રેહાન અહમદને 2 કલાક કરતા વધુ સમય સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો. ઈંગ્લેન્ડ અન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ તાત્કાલિક વિઝાની કાર્યવાહી કરી. ત્યારબાદ અસ્થાયી વિઝા પર રેહાન અહમદને જવા દેવામાં આવ્યો, પરંતુ હવે આ મામલે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે નિવેદન જાહેર કરીને પોતાની ભૂલ માની લીધી છે.

તેણે કહ્યું કે, 'અબુ ધાબીથી ભારત ફરવા પર અમને કહેવામાં આવ્યું કે રેહાન અહમદના વિઝામાં પરેશાની છે. તેની પાસે પૂરતા દસ્તાવેજ ઉપસ્થિત નથી. રાજકોટ એરપોર્ટ પર સ્થાનિક અધિકારીઓએ કોકડું ઉકેલ્યું, જેનાથી રેહાનને અસ્થાયી વિઝા પર ટીમ સાથે જવામાં મદદ મળી. આગામી દિવસોમાં યોગ્ય વિઝા જાહેર કરવામાં આવશે. તે ત્રીજી ટેસ્ટ અગાઉ બાકી ટીમ સાથે તૈયારી ચાલુ રાખશે.' આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધિકારીએ કહ્યું કે, 'ઇંગ્લિશ ટીમને 2 દિવસમાં ફરીથી વિઝા પ્રોસેસની સલાહ આપવામાં આવી છે.'

રેહાન અહમદ હાલની સીરિઝની બંને મેચ રમ્યો છે, જ્યાં તેણે 36.37ની એવરેજથી 8 વિકેટ લીધી છે. સીરિઝના બરાબર પહેલા પાકિસ્તાન મૂળના શોએબ બશીરને પણ વિઝાના કારણે અબુ ધાબીમાં રોકાવું પડ્યું હતું. જો કે, થોડા દિવસ બાદ વિઝા મળ્યા અને પછી તે ભારત આવ્યો. ત્યારબાદ તેણે બીજી ટેસ્ટ પણ રમી હતી. ઇંગ્લિશ ટીમ સોમવારે સાંજે 5:30 વાગ્યે એરપોર્ટ પહોંચી હતી અને 8:00 વાગ્યે હોટલ પહોંચી.

જ્યારે ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ અને રેહાન અહમદ રાત્રે લગભગ 9:00 વાગ્યે હોટલ પહોંચ્યા. ઈંગ્લેન્ડ અને ભારતીય ટીમે એક સાથે મંગળવાર (13 ફેબ્રુઆરી)થી રાજકોટમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. ત્રીજી ટેસ્ટ મેચ અગાઉ ઈંગ્લેન્ડ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર સ્પિનર જેક લીચ ઇજાના કારણે આખી સીરિઝથી બહાર થઈ ગયો છે. જેક લીચને હૈદરાબાદ ટેસ્ટ મેચ દરમિયાન ડાબા ઘૂંટણમાં ઇજા થઈ હતી, જેના કારણે વાઈજેક (વિશાખાપટ્ટનમ)માં થયેલી બીજી ટેસ્ટમાં રમી શક્યો નહોતો.

ટેસ્ટ સીરિઝ માટે ઇંગ્લેન્ડની ટીમ:

જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહમદ, ટોમ હાર્ટલે, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન, માર્ક વૂડ, ઓલી રૉબિન્સન, ડેન લોરેન્સ અને ગસ એટકિન્સન.

અંતિમ 3 ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બૂમરાહ (ઉપકેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કે.એલ. રાહુલ, રજત પાટીદાર, સરફરાજ ખાન, ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), કે.એસ. ભરત (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.

ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી (ઇંગ્લેન્ડની ટીમ 28 રનથી જીતી)
બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ભારત 106 રનથી જીતી)
ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી
પાંચમી ટેસ્ટ 7-11 માર્ચ, ધર્મશાળા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp