'બસ હવે બહુ થયું...', BCCIના નિર્ણયથી પાકિસ્તાનીઓ નારાજ,મિયાંદાદ-ઈંઝમામના નિવેદન

PC: circleofcricket.com

જેમ જેમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક આવી રહી છે, તેમ તેમ ભારતના પાકિસ્તાન પ્રવાસને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. તેણે આ અંગે ICCને જાણ કરી છે અને ICCએ પાકિસ્તાન ક્રિકેટને E-Mail કર્યો છે. હવે BCCIના આ નિર્ણયથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો ખૂબ નારાજ છે. PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ રવિવારે કહ્યું કે, ICCએ તેમને જાણ કરી છે કે, BCCIએ ભારતીય ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ હંમેશા ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે અને આ વખતે પણ તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ભારતની મેચોનો બહિષ્કાર કરવા હાકલ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય ક્રિકેટ ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. કેટલાક લોકો માને છે કે, પાકિસ્તાન માટે ભારત સાથે રમવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ઘણો ફાયદો થાય છે. જો કે, મિયાંદાદ માને છે કે, પાકિસ્તાન ભારત વિના પણ સારું પ્રદર્શન કરી શકે છે અને ICC ઇવેન્ટ્સ ભારત-પાકિસ્તાન મેચ વિના પણ યોજી શકાય છે.

મીડિયા સૂત્રો અનુસાર મિયાંદાદે કહ્યું કે, 'તે એક મજાક છે કે આવું થઈ રહ્યું છે. જો આપણે ભારતની સાથે બિલકુલ નહીં રમીએ, તો પણ પાકિસ્તાન ક્રિકેટ ન માત્ર ટકી શકશે પણ સમૃદ્ધ પણ થશે, જેમ કે આપણે ભૂતકાળમાં એવું કરી બતાવ્યું છે, હું જોવા માંગુ છું જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ મેચ ન હોય ત્યારે ICC ટૂર્નામેન્ટ કેવી રીતે કમાણી કરે છે.'

છેલ્લા 15 દિવસમાં, ઘણા અહેવાલો સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, UAE અથવા શ્રીલંકામાં ભારતની મેચો આયોજિત કરવા માટે હાઇબ્રિડ મોડલને સ્વીકારવામાં આવશે. આવા મોડલને ICC તરફથી મંજૂરી મળશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. છેલ્લી વખત આવું 2023માં થયું હતું, જ્યારે પાકિસ્તાનમાં યોજાયેલા એશિયા કપનું હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યું હતું અને ભારતની મેચો શ્રીલંકામાં રમાઈ હતી.

બીજી તરફ પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકનું કહેવું છે કે, પાકિસ્તાનની આ ક્ષણ ભારતના જિદ્દી વલણથી બગડવી જોઈએ નહીં. 2008ના એશિયા કપ પછીથી ભારત ક્રિકેટ રમવા પાકિસ્તાન ગયું નથી અને આ વખતે પણ એવું જ થશે એવું લાગે છે. તેણે કહ્યું, 'તેઓ ક્રિકેટને આટલી મોટી તકથી વંચિત કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં ભારતીય ટીમને કોઈ ખતરો નથી. હકીકતમાં, તેમને અહીં શ્રેષ્ઠ આદર સત્કાર મળશે.'

પાકિસ્તાનના અન્ય પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે ભારતના વલણને અસ્વીકાર્ય ગણાવ્યું છે. તેણે કહ્યું, 'બસ, બહુ થઈ ગયું. જ્યારે બીજી તમામ ટીમો પાકિસ્તાનમાં કોઈપણ સમસ્યા વિના રમી રહી છે, ત્યારે ભારતનો આ નિર્ણય સંપૂર્ણપણે રાજકીય છે અને ક્રિકેટ સહિત તમામ રમતોમાં અસ્વીકાર્ય હોવો જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp