આ કેવું અમ્પાયરિંગ? IPL 2024ના વિવાદાસ્પદ નિર્ણયો જેના સવાલ ઉઠ્યા છે

PC: BCCI

IPL 2024માં ચાહકો ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા છે. લગભગ દરેક મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ રહ્યો છે. જ્યારે ઘણી મેચોમાં ચાહકોને છેલ્લા બોલ સુધી પોતાનો શ્વાસ રોકીને બેસવું પડે છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન એવા ઘણા પ્રસંગો બન્યા છે, જ્યારે એક જ મેચમાં નવા રેકોર્ડ બન્યા હતા અને પછી તે તૂટી પણ ગયા હતા. આ બધાની વચ્ચે, અન્ય એક બાબત જેણે ચાહકોનું સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું છે, તે છે અમ્પાયરો દ્વારા આપવામાં આવેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો.

હકીકતમાં ઘણા નિર્ણયો એવા આવ્યા છે કે, જેના કારણે ઘણો વિવાદ થયો છે. જેમાં વિરાટ કોહલીનો નો-બોલનો વિવાદ હોય કે પછી પૃથ્વી શોને વિવાદાસ્પદ રીતે આઉટ આપવામાં આવ્યો હોય... ગ્રાઉન્ડ અમ્પાયર અને થર્ડ અમ્પાયરના નિર્ણયો પર ઘણી વખત સવાલો ઉભા થયા છે. આવો, જાણીએ આવા જ કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો વિશે.

ચાલો સૌથી પહેલા તાજેતરના વિવાદાસ્પદ નિર્ણયથી શરૂઆત કરીએ. 7 મેના રોજ, દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં સેમસનની વિકેટને લઈને ઘણો વિવાદ થયો હતો. હકીકતમાં રાજસ્થાનની ટીમ મેચમાં 221 રનનો પીછો કરી રહી હતી. સંજુ સેમસન સારા ટચમાં જોવા મળ્યો હતો. પરંતુ મુકેશ કુમારે ફેંકેલી 16મી ઓવરના ચોથા બોલ પર સેમસને લોંગ ઓન તરફ શોટ માર્યો હતો. બાઉન્ડ્રી પર ઉભેલા શે હોપે બોલ કેચ કર્યો હતો. જોકે આ દરમિયાન થોડા સમય માટે તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું. એવું લાગ્યું હતું કે, જાણે તેનો પગ સીમા રેખાને સ્પર્શી ગયો હોય. ચુસ્ત કેચ જોઈને ફિલ્ડ અમ્પાયરે તેને થર્ડ અમ્પાયર પાસે મોકલ્યો. પરંતુ રિપ્લે જોયા પછી થર્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. જોકે, અમ્પાયરના આ નિર્ણયથી સેમસન ગુસ્સામાં જોવા મળ્યો હતો. તે આ અંગે અમ્પાયર સાથે 'વિવાદ' કરતો પણ જોવા મળ્યો હતો.

હવે વાત કરીએ RCB અને KKR વચ્ચે 21મી એપ્રિલે રમાયેલી મેચની. જ્યારે વિરાટને આઉટ આપવાને લઈને વિવાદ થયો હતો. હકીકતમાં, હર્ષિત રાણા RCBની ઇનિંગ્સની ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો. વિરાટ RCB દ્વારા ફેંકવામાં આવેલી ઓવરના પહેલા બોલને બરાબર મારી શક્યો નહોતો. બોલ તેના બેટ સાથે અથડાયો અને હવામાં ઉછળી ગયો. જેને બોલરે પોતે કેચ કરી લીધો હતો. બોલની ઊંચાઈને ધ્યાનમાં રાખીને તેને થર્ડ અમ્પાયર પાસે મોકલવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી રિપ્લે જોયા પછી થર્ડ અમ્પાયરે પણ કોહલીને આઉટ આપ્યો હતો. કોહલી અમ્પાયરના નિર્ણય સાથે અસંમત જણાતો હતો અને પેવેલિયન તરફ જતી વખતે તેણે પોતાનું બેટ બાઉન્ડ્રી દોરડા પર જોરથી માર્યું હતું. તેણે હાથ વડે મારીને ડસ્ટબીનને પણ ફેંકી દીધું હતું.

હવે વાત કરીએ લખનઉ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 30મી એપ્રિલે રમાયેલી મેચની. લખનઉની ઇનિંગ્સની 19મી ઓવરમાં આયુષ બદોનીએ બે રન લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફિલ્ડર નમન ધીરે બોલ વિકેટકીપર ઈશાન કિશન તરફ ફેંક્યો હતો. કિશને બોલ પકડી તો લીધો, પરંતુ તે પ્રથમ પ્રયાસમાં જ બેલ્સ પાડવામાં નિષ્ફળ ગયો. જ્યારે કિશને બીજા પ્રયાસમાં બેલ્સ વેરવિખેર કર્યા ત્યારે બદોની ક્રિઝ પર પહોંચી ગયો હતો. પરંતુ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે તેનું બેટ હવામાં હતું. આ અંગે ઘણા ચાહકો તેમજ દિગ્ગજ ક્રિકેટરોએ અમ્પાયરના નિર્ણય પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

24 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પૃથ્વી શૉને આઉટ કરવા અંગે પણ વિવાદ થયો હતો. મેચ દરમિયાન શોએ ડીપ સ્ક્વેર લેગ તરફ શોટ રમ્યો હતો. જેને ત્યાં હાજર નૂર અહેમદે પકડી લીધો હતો. જો કે, આ કેચને જોતા એવું લાગી રહ્યું હતું કે બોલનો જમીન સાથે સંપર્ક થઈ ગયો હતો. આવી સ્થિતિમાં નિર્ણય થર્ડ અમ્પાયરને મોકલવામાં આવ્યો હતો. રિપ્લે જોયા પછી થર્ડ અમ્પાયરે પૃથ્વી શોને આઉટ જાહેર કર્યો હતો. ફેન્સ આ નિર્ણયથી ખૂબ જ નાખુશ દેખાતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp