જીત છતા રોહિત શર્માએ કેપટાઉન પીચ પર ઉઠાવ્યા સવાલ, ICC પાસે કરી આ માગ

PC: timesofindia.indiatimes.com

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ મેચમાં 7 વિકેટથી ધમાકેદાર જીત હાંસલ કરી. મેચના બીજા દિવસે (4 જાન્યુઆરીના રોજ) ભારતીય ટીમે 79 રનનો ટારગેટ 12 ઓવરમાં જ હાંસલ કરી લીધો. ભારતીય ટીમે આ જીત સાથે જ ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી. કેપટાઉન્ટ ટેસ્ટ મેચમાં બેટ્સમેન રન બનાવવા માટે ઝઝૂમતા રહ્યા. પીચથી ફાસ્ટ બોલરોને ખૂબ મદદ મળી રહી હતી અને ફાસ્ટ બોલર્સે 32 વિકેટ લીધી. તો એક ખેલાડી રન આઉટ થયો. રવીન્દ્ર જાડેજા અને કેશવ મહારાજને તો બોલિંગ કરવાનો અવસર પણ ન મળ્યો. 107 ઓવર્સમાં જ મેચ પૂરી થયા બાદ કેપટાઉન પીચ પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ પીચથી નાખુશ નજરે પડ્યો. રોહિતે મેચ બાદ કહ્યું કે, કેપટાઉનની પીચ ટેસ્ટ મેચ માટે આદર્શ નહોતી. જ્યાં સુધી ભારતીય પીચો બાબતે કોઈ ફરિયાદ કરતું નથી ત્યાં સુધી મને આ પ્રકારની પીચો પર રમવામાં કોઈ આપત્તિ નથી. ભારતમાં ટર્નિંગ ટ્રેકની નિંદા કરવામાં આવે છે. અહી સુધી કે વર્લ્ડ કપની પીચ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ICCએ તેના પર ધ્યાન આપવું જોઈએ.

રોહિતે આગળ કહ્યું કે વર્લ્ડ કપની પીચને એવરેજથી ઓછી રેટિંગ આપવામાં આવી હતી. એ મેચમાં એક ખેલાડીએ સદી ફટકારી હતી. હું મેચ રેફરીને એ જોવાનો આગ્રહ કરું છું કે ત્યાં (પીચ પર) શું છે, ન કે એ દેશને જુઓ, જ્યાં મેચ રમાઈ છે. ભારતમાં પહેલા દિવસે જ ધૂળની ડમરીઓની વાત કરે છે. અહી પર દરાર હતી. ઉલેખનીય છે કે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ભારતીય પીચોની નિંદા કરતા રહે છે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઉપયોગ કરવામાં આવેલી પીચને એવરેજથી ખરાબ રેટિંગ આપી હતી. ભારતમાં જ્યારે ટેસ્ટ મેચ રમાય છે તો પીચને લઈને ખૂબ ચર્ચા થાય છે. હવે રોહિતે કેપટાઉનના બહાને ભારતીય પીચોના ટીકાકારો પર પ્રહાર કર્યો છે.

રોહિતે ટીમના વખાણ કરતાં કહ્યું કે, આ એક સારી ઉપલબ્ધિ રહી. સેન્ચુરિયનમાં અમે ભૂલોથી શીખામણ લેવી જોઈતી હતી. અમે ખૂબ સારી વાપસી કરી. ખાસ કરીને અમારા બોલરોએ. કેટલીક પ્લાનિંગ કરવામાં આવી અને ખેલાડીને તેનું ઈનામ મળ્યું. અમે પોતાને પરિસ્થિતિઓને અનુરૂપ ઢાળ્યા. અમે સારી બેટિંગ કરી અને લગભગ 100 રનની લીડ હાંસલ કરી. અંતિમ 6 વિકેટ જે રીતે પડી, એ જોઈને સારું ન લાગ્યું.

રોહિતે કહ્યું કે, અમે જાણતા હતા કે આ એક નાની રમત થવાની છે અને બોર્ડ પર રન મહત્ત્વ ધરાવશે એટલે લીડ હાંસલ કરવી ખૂબ મહત્ત્વપૂર્ણ હતી. અમે વસ્તુને સરળ રાખવાનો પ્રયાસ કર્યો અને પીચે બાકી કામ કરી દીધું. સિરાજ, બૂમરાહ, મુકેશ અને પ્રસિદ્ધને શ્રેય આપવા માગું છું. જ્યારે પણ તમે અહી આવો છો, આ પડકાર હોય છે. અમે ભારત બહાર ખૂબ સારી ક્રિકેટ રમી છે. તેના પર અમને ખૂબ ગર્વ છે. અમે સીરિઝ જીતવાની પસંદ કરતાં. દક્ષિણ આફ્રિકા એક શાનદાર ટીમ છે, તે હંમેશાં અમને પડકાર આપે છે, અમે આ પ્રદર્શનથી ખૂબ ગર્વ અનુભવી શકીએ છીએ. તે (ડીન એલ્ગર) દક્ષિણ આફ્રિકા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. હું તેને ભવિષ્ય માટે શુભકામનાઓ આપવા માગું છું. કેપટાઉન ટેસ્ટ મેચમાં માત્ર 642 બૉલ (107 ઓવર)ની રમત થઈ. કોઈ પરિણામ આવેલી ટેસ્ટમાં પહેલી વખત આટલા ઓછા બૉલની રમત થઈ. આ અગાઉ વર્ષ 1932ના ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચનું પરિણામ 656 બૉલમાં નીકળી આવ્યું હતું. ભારતની જીત એટલે પણ ખાસ રહી કેમ કે પહેલી વખત એશિયન ટીમે કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાને હરાવી.

મેચનું સંક્ષિપ્ત વિવરણ

દક્ષિણ આફ્રિકા, પહેલી ઇનિંગ: 55 રન

ભારત, પહેલી ઇનિંગ: 153

દક્ષિણ આફ્રિકા, બીજી ઇનિંગ 176

ટારગેટ 79 રન

ભારત:   80/3

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp