ગંભીરે પોન્ટિંગને ખૂબ સંભળાવ્યું, રોહિતના પ્રથમ ટેસ્ટમાં રમવા અંગે આપ્યું નિવેદન

PC: indiatoday-in.translate.goog

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર પછી ટીમ ઈન્ડિયાની સતત ટીકા થઈ રહી છે. ચાહકોથી લઈને ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની ટીકા કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા સામે હવે સૌથી મોટો પડકાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી છે. જેના માટે ભારતીય ટીમ 10મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. સિરીઝની શરૂઆત થાય તે પહેલા કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં તેણે કેપ્ટન રોહિત શર્માના પ્રથમ ટેસ્ટમાં રમવાથી લઈને અનેક સવાલોના જવાબ આપ્યા છે. આ દરમિયાન ગંભીરે રિકી પોન્ટિંગના નિવેદન પર પણ નિશાન સાધ્યું છે.

તાજેતરમાં જ દિગ્ગજ ક્રિકેટર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વિરાટ કોહલીના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોન્ટિંગે કહ્યું હતું કે, જો વિરાટની જગ્યાએ કોઈ અન્ય હોત તો તે કદાચ પાંચ વર્ષમાં બે સદી ફટકારીને ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે રમી શક્યો ન હોત. ગંભીરે પોન્ટિંગના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું, 'પોન્ટિંગને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા છે? તેઓએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વિચારવું જોઈએ.'

હકીકતમાં, પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્માના રમવા પર શંકા છે. આ અંગે ગંભીરે કહ્યું, 'હાલમાં રોહિતના રમવા અંગે કોઈ પુષ્ટિ નથી. એવી અપેક્ષા છે કે તે પ્રથમ ટેસ્ટમાં ઉપલબ્ધ રહેશે. પરંતુ અમે આ માહિતી ટેસ્ટ મેચ પહેલા જ આપી શકીશું. જો રોહિત રમી શકતો નથી, તો અમારી પાસે ઓપનિંગ માટે ઘણા વિકલ્પો છે. અમારી પાસે અભિમન્યુ ઇશ્વરન છે અને અમારી પાસે KL રાહુલ છે. અમે નક્કી કરીશું કે પર્થમાં પ્રથમ ટેસ્ટ પહેલા કોણે ઓપનિંગ કરવું જોઈએ.'

ગંભીરે એ વાતની પણ પુષ્ટિ કરી કે, જો રોહિત પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં તો જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે.

તેના કોચિંગને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે ભારતીય કોચે કહ્યું, 'જ્યારે મેં કોચિંગની ભૂમિકા સ્વીકારી ત્યારે મને ખબર હતી કે આ મુશ્કેલી પણ આવશે. મને લાગે છે કે હું અત્યારે કોઈ ટીકાનો સામનો કરી રહ્યો નથી.'

ગંભીરે KL રાહુલ વિશે પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તૈયારી મહત્વપૂર્ણ રહેશે. ગંભીરના મતે, પ્રથમ ટેસ્ટ પહેલાના આ દસ દિવસ ઘણા મહત્વપૂર્ણ રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી રમાશે. શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp