શું બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં સરફરાઝ-રાહુલને સ્થાન મળશે, ગંભીરે કરી દીધું ક્લિયર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેપોક, ચેન્નાઈમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-XI શું હશે તે જાણવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, મેચ પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્લેઈંગ-XIની તસવીર ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધી છે. મેચ પહેલા પત્રકારો સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે, ટીમની રણનીતિ અનુભવ અને ફોર્મ પર નિર્ભર કરે છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે રીષભ પંત અને KL રાહુલને પ્લેઇંગ-XIમાં સામેલ કરવામાં આવશે, જેઓ લાંબા સમય પછી પરત ફરી રહ્યા છે.
રીષભ પંત અને KL રાહુલને પ્લેઇંગ-XIમાં સામેલ કરવાની પુષ્ટિ કરતા ગંભીરે સ્પષ્ટ કર્યું કે, બે ખેલાડીઓના પત્તા કપાશે તે નિશ્ચિત છે. તેમાં સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલનો સમાવેશ થાય છે. પત્રકારો સાથે વાત કરતા ગંભીરે કહ્યું, 'અમે કોઈનું પત્તુ કાપતા નથી. પરંતુ અમે એવા ખેલાડીઓને જ પસંદ કરીએ છીએ જે પ્લેઇંગ-XIમાં ફિટ હોય. જુરેલ એક શાનદાર ખેલાડી છે, પરંતુ જ્યારે પંત આવે છે ત્યારે ક્યારેક લોકોને રાહ જોવી પડે છે. સરફરાઝનું પણ એવું જ છે. તમને તક મળશે, પરંતુ તમારે રાહ જોવી પડશે.'
અહીં તમને જણાવી દઈએ કે, વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાને આ વર્ષે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ હોમ ટેસ્ટ સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. બંને ખેલાડીઓએ ડેબ્યૂ મેચમાં પોતાના પ્રદર્શનથી પસંદગીકારો અને અનુભવીઓને પ્રભાવિત કર્યા હતા. રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ થયો હતો. જોકે, બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે રીષભ પંતની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થવાને કારણે તેને બહાર બેસવું પડશે. બીજી તરફ સરફરાઝ ખાને ડેબ્યુ મેચમાં જ શાનદાર બેટિંગ કરતા બે અડધી સદી ફટકારી હતી, દુલીપ ટ્રોફીમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. આવી સ્થિતિમાં તેમના સ્થાને KL રાહુલને તક આપવામાં આવશે તે નિશ્ચિત છે.
પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનો ટોપ ઓર્ડર પણ લગભગ કન્ફર્મ થઈ ગયો છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરતા જોવા મળશે. શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. 8 મહિના પછી ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરી રહેલો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ચોથા નંબર પર રમે તેવી શક્યતા છે. અનુભવી KL રાહુલ નંબર-5 પર બેટિંગ કરવા ઉતરી શકે છે.
ભારતીય ટીમ તેની ટેસ્ટ સિઝનની શરૂઆત બાંગ્લાદેશ સામેની શ્રેણીથી કરવા માટે તૈયાર છે, જેમાં 10 મેચોનો સમાવેશ થાય છે. તે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બહુપ્રતિક્ષિત બોર્ડર-ગાવસ્કર શ્રેણી સાથે સમાપ્ત થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પહેલા બાંગ્લાદેશનો સામનો કરશે, જેણે ગયા મહિને પાકિસ્તાન સામે 2-0થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું હતું. આ પછી ન્યુઝીલેન્ડની સામે ઘરઆંગણે 3 ટેસ્ટ મેચ રમવાની છે અને ત્યારપછી વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ તમામ દેશો સામે ભારતનું પ્રદર્શન WTC ફાઈનલ 2025 સુધીની તેની સફર નક્કી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp