ગાવસ્કરના નામે એવી વાત ફરતી થઈ કે તેમણે આવીને ખુલાસો આપવો પડ્યો, રોહિતના ફેન્સ..
બેટિંગ લેજેન્ડ સુનિલ ગાવસ્કર સાથે છેતરપિંડી થઈ ગઈ છે. આનાથી મોટાભાઈ સની ખૂબ જ નારાજ થઇ ગયા છે. એક વીડિયો બહાર પાડીને તેમણે આ મુદ્દે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. હકીકતમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ગાવસ્કરના નામ પર કેટલીક વાતો વાયરલ થઈ રહી હતી. ગાવસ્કરનો દાવો છે કે, તેમણે આવી વાતો ક્યારેય નથી કહી.
આ સમગ્ર હોબાળો શુક્રવારે સાંજથી શરૂ થયો હતો. ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો થઇ ગયો હતો. ત્યારપછી એક વેબસાઈટે ગાવસ્કરના નામે એક કોલમ પ્રકાશિત કરી. આ કોલમનું શીર્ષક હતું, 'નેતૃત્વનો નવો યુગઃ બુમરાહની કેપ્ટન્સી અને કોહલીના નેતૃત્વએ ટીમ ઈન્ડિયાને પુનર્જીવિત કર્યું.' ગાવસ્કરના નામે આવી વાત ફરતી થતા રોહિત શર્માના ફેન્સ નારાજ થયા હતા અને તેમણે ગાવસ્કરની ઝાટકણી કાઢી હતી.
આ કોલમમાં વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે આકરા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાવસ્કર કહે છે કે, તેણે આવી કોઈ કોલમ નથી લખી. પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં ગાવસ્કર કહે છે, 'હાય, હું સુનીલ ગાવસ્કર છું. અને હું કહેવા માંગુ છું કે, એક વેબસાઈટે મારા નામે એક લેખ પ્રકાશિત કર્યો છે. હું કહેવા માંગુ છું કે, આ સંપૂર્ણપણે બનાવટી છે. મેં આમાં કોઈ યોગદાન આપ્યું નથી, અને હું આ વેબસાઈટને કહેવા મંગુ છું કે, આ મેટરને તાત્કાલિક દૂર કરવામાં આવે. અને માફી માંગવામાં આવે. જો તમે આ કામ તરત નહીં કરો, તો હું આ બાબત મારી કાનૂની ટીમને સોંપી દઈશ. આ લેખમાં લખેલા એક પણ શબ્દ પર વિશ્વાસ કરશો નહીં. આ એક સંપૂર્ણ રીતે બનાવટી લેખ છે.'
હકીકતમાં, આ લેખમાં ગાવસ્કરને ઉલ્લેખીને લખવામાં આવ્યું હતું કે, 'કોહલીનું ટીમની ઉર્જા પર સંપૂર્ણ નિયંત્રણ છે, જ્યારે બુમરાહ એક કેપ્ટન તરીકે પોતાની પ્રવૃત્તિ પર વિશ્વાસ કરી રહ્યો છે. આ ભાગીદારીથી ઘણો ફાયદો થઇ રહ્યો છે. બુમરાહ અને કોહલીની અજોડ કેમેસ્ટ્રીએ ટીમનું વલણ બદલી નાખ્યું છે. આ બંનેએ સાથે મળીને ટીમને ગર્વ અને ઉદ્દેશ્યથી ભરી દીધી છે. વિડંબના એ છે કે રોહિત શર્માની ગેરહાજરી ભારતીય ક્રિકેટ માટે પરોક્ષ આશીર્વાદ બની ગઈ છે.'
જો આ ટેસ્ટની વાત કરીએ તો, બે દિવસ પછી ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ કોઈપણ નુકશાન વિના કુલ 218 રનની લીડ મેળવી લીધી છે. યશસ્વી જયસ્વાલ 90 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા અને KL રાહુલ 62 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. રમતના બીજા દિવસે ભારતે કોઈપણ નુકસાન વિના 172 રન બનાવ્યા હતા. આ ટીમ પ્રથમ દાવમાં 150 રન જ બનાવી શકી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયા પણ 104 રન જ બનાવી શકી હતી.
જસપ્રિત બુમરાહના નેતૃત્વમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પોતાની જ જમીન પર શ્વાસ લેવા દીધો ન હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. જ્યારે વિકેટ કીપર એલેક્સ કેરીએ 21 રનનું યોગદાન આપ્યું હતું. આ બે સિવાય માત્ર ટ્રેવિસ હેડ અને મેકસ્વીની જ ડબલ આંકડા સુધી પહોંચી શક્યા. બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ હર્ષિત રાણા અને બે વિકેટ મોહમ્મદ સિરાજને મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp