ભારતીય ટીમની હાર માટે હરભજન સિંહે આ કારણ જવાબદાર ગણાવ્યું

PC: BCCI

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વાનખેડે ટેસ્ટમાં 25 રનથી હાર મળી. આ હારના કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની ટેસ્ટ સીરિઝ 0-3થી ગુમાવી દીધી. જોવા જઇએ તો 24 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના સુપડા સાફ થયા છે. આ અગાઉ વર્ષ 2000માં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમની શરમજનક હાર બાદ હોબાળો મચી ગયો છે. પીચ પર પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે હવે ભારતીય ટીમની હાર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે હારનો ઠીકરો પીચ પર ફોડ્યો છે. બેંગ્લોરમાં રમાયેલી આ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ જ માત્ર 5 દિવસ ગઇ હતી, એ પણ વરસાદના કારણે. જ્યારે પૂણે અને વાનખેડેમાં રમાયેલી ટેસ્ટ મેચ 3 દિવસની અંદર જ ખતમ થઇ ગઇ હતી.

હરભજન સિંહે ભારતીય ટીમની હાર બાદ ટ્વીટ કરી કે ‘ટર્નિંગ પીચો તમારી પોતાની દુશ્મન બની રહી છે. ન્યૂઝીલેન્ડને શુભેચ્છા. તમે અમને મહાત આપી દીધી. ઘણા વર્ષોથી એમ જ કહી રહ્યો છું કે ભારતીય ટીમે સારી પીચો પર રમવાની જરૂર છે. આ ટર્નિંગ પીચો બેટ્સમેનોને ખૂબ સાધારણ બનાવી રહી છે. અગાઉની પેઢીના બેટ્સમેન આ પ્રકારની પીચો પર ક્યારેય રમ્યા નથી. આ પીચો 2-3 દિવસની ટેસ્ટ મેચો માટે તૈયાર કરવામાં આવી છે. આ પીચો પર ટીમને આઉટ કરવા માટે તમને મુરલી, વોર્ન કે સકલેનની જરૂર નથી. કોઇ પણ કોઇને પણ આઉટ કરી શકે છે.’

બીજી તરફ ભજ્જીએ ANI સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ‘આ આખી સીરિઝ આપણા માટે ખૂબ નિરાશાજનક રહી. જ્યારે ન્યૂઝીલેન્ડ આવ્યું હતું, તો આશા હતી કે પરિણામ આપણા પક્ષમાં 3-0 હશે. પરંતુ તેમણે આપણને મહાત આપી દીધી અને પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવ્યો. કેપ્ટનની જવાબદારી હોય જ છે અને સાથે જ ટીમ પણ એટલી જ જવાબદાર હોય છે. ટેસ્ટ ક્રિકેટનો અર્થ છે કે 5 દિવસની ક્રિકેટ, તેમાં જે ટીમ સારી રમે તે જીતે. મને લાગે છે કે કન્ડિશન્સ સાથે વધુ છેડછાડ ન કરવી જોઇએ. જો તમારે સારી ક્રિકેટ રમવી હોય તો તમારે સારી ક્રિકેટ પર રમવી પડશે. મને લાગે છે કે આપણે ન્યૂઝીલેન્ડ જેવી ટીમને સરળતાથી 2-0 કે 2-1થી હરાવી શકીએ છે.’

હરભજને ડિસેમ્બર 2021માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. ત્યારબાદ ભજ્જી રાજનીતિમાં પ્રવેશી ગયા અને તેઓ એપ્રિલ 2022માં આમ આદમી પાર્ટી (AAP)ની ટિકિટ પર રાજ્યસભા માટે ચૂંટાયા. હરભજને પોતાની બોલિંગથી ભારતીય ટીમને ઘણી મેચ જીતાડી છે. તેમણે પોતાના શાનદાર કરિયર દરમિયાન વર્ષ 2011 વર્લ્ડ કપ અને વર્ષ 2007ના T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય પણ રહ્યા. તેમણે વર્ષ 2022ના વર્લ્ડ કપમાં 9 અને વર્ષ 2007ના T20 વર્લ્ડ કપમાં 7 વિકેટ લઇને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હરભજને પોતાના શાનદાર કરિયર દરમિયાન 103 ટેસ્ટમાં 417, 236 વન-ડે ઇન્ટરનેશનલમાં 269 અને 28 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 25 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp