6, 6, 6, 6, 4...જે બોલર પર ચેન્નાઈએ કરોડો ખર્ચ્યા તેને પંડ્યાએ ધોઈ નાખ્યો, Video

PC: BCCI

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. બરોડા તરફથી રમતા પંડ્યાએ 27 નવેમ્બરે તમિલનાડુ સામેની મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ 69 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ ગુર્જપનીત સિંહની એક ઓવરમાં 29 રન બનાવ્યા હતા. એ જ બોલર કે જેના પર ચેન્નાઈએ IPL 2025ની હરાજીમાં મોટી બોલી લગાવી છે.

27મી નવેમ્બરે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હાર્દિકે 30 બોલમાં 69 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે બરોડાની ઇનિંગ્સની 17મી ઓવરમાં ગુર્જપનીત સિંહને નિશાન બનાવ્યો હતો. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી. આ ઓવરમાં એક નો બોલ સહિત કુલ 30 રન બનાવ્યા હતા. જેમાંથી 29 રન હાર્દિક પંડ્યાના બેટમાંથી આવ્યા હતા.

IPL 2025ની હરાજી દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે ગુર્જપનીત સિંહ પર મોટી બોલી લગાવી હતી. ચેન્નાઈએ આ 26 વર્ષના ફાસ્ટ બોલર માટે 2 કરોડ 20 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. તેની મૂળ કિંમત 30 લાખ હતી. પરંતુ જે રીતે હાર્દિક પંડ્યાએ તેની ઓવરમાં રન બનાવ્યા તેનાથી ચેન્નાઈના ચાહકો પરેશાન થઇ ગયા હશે. ખરેખર, ગુર્જપનીત સિંહ એકદમ ઊંચી હાઈટ કદ્દાવર શરીરનો બોલર છે. તેની ઉંચાઈ 6 ફૂટ 3 ઈંચ છે અને તે ડાબા હાથથી સારી બોલિંગ કરે છે. જોકે, ગુર્જપનીતની પાસે વધારે અનુભવ નથી. અત્યાર સુધી તેણે માત્ર ચાર ફર્સ્ટ ક્લાસ અને બે T20 મેચ જ રમી છે.

જો મેચની વાત કરીએ તો, તામિલનાડુએ પ્રથમ બેટિંગ કરતા 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. નારાયણ જગદીશને 32 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિજય શંકરે 22 બોલમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે શાહરૂખ ખાને 39 રન બનાવ્યા હતા. બરોડાએ મેચના છેલ્લા બોલ પર આ લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું હતું. હાર્દિક પંડ્યા સિવાય ભાનુ પાનિયાએ 42 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કૃણાલ પંડ્યાએ 22 રન બનાવ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની આ સિઝનમાં પંડ્યા શાનદાર ફોર્મમાં છે. તેણે ઉત્તરાખંડ સામે 42 રન અને ગુજરાત સામે 74 રનની ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp