શરમ આવે છે, મહેરબાની કરી આ નામથી બોલાવવાનું બંધ કરો, કોહલીની રિક્વેસ્ટ

PC: cricketcountry.com

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે હાઈ-પ્રોફાઈલ RCB અનબોક્સ ઈવેન્ટ દરમિયાન અનેક નવા કામ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ માત્ર બેંગ્લોરની જગ્યાએ બેંગલુરુ નામની જાહેરાત કરી નથી, પરંતુ જર્સીમાં વાદળી રંગનો પણ સમાવેશ કર્યો છે. આ દરમિયાન ભારતીય ટીમના રન મશીન કહેવાતા વિરાટ કોહલીએ પોતાના નામ અંગે એક ખુલાસો કર્યો. ચાહકોને પોતાના દિલના રહસ્યો જણાવતા તેણે કહ્યું કે, તેને 'કિંગ'ના નામથી ઓળખવો જોઈએ નહીં. તેણે કહ્યું કે, આનાથી તે શરમ અનુભવે છે.

RCBના પૂર્વ કેપ્ટને ચાહકોને 'કિંગ' નામનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે, કોહલીના શાનદાર રેકોર્ડ અને લાંબા સમયથી તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને ક્રિકેટ કિંગનું હુલામણું નામ આપવામાં આવ્યું છે. હવે ચાહકો સોશિયલ મીડિયા પર તેના માટે આ નામનો ઉપયોગ કરે છે. હકીકતમાં, તેની પાછળનો તર્ક એ હતો કે, જો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન હોય, તો તેના ઘણા રેકોર્ડ તોડનારને 'કિંગ' કહેવા જોઈએ. હવે કોહલી તેને ખતમ કરવા માંગે છે, કારણ કે આ શબ્દ તેને શરમાવે છે.

અનબોક્સ ઇવેન્ટમાં, ડેનિશ સૈતે તેને પૂછ્યું, કિંગ કેવું અનુભવી રહ્યા છે? તેણે કહ્યું, ફરી પાછા આવવું સારું લાગે છે. તેના પર ચાહકોની ભીડનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો હતો. હવે કોહલીએ કહ્યું, મને વાત કરવા દો. મિત્રો, આજે રાત્રે અમને ચેન્નાઈ જવાનું છે. અમારી પાસે એક ચાર્ટર્ડ ફ્લાઇટ છે તેથી અમારી પાસે સમય નથી (હસે છે). સૌ પ્રથમ, તમારે મને તે નામ (કિંગ)થી બોલાવવાનું બંધ કરવું પડશે. હું ફાફને કહેતો હતો કે, જ્યારે તમે દર વર્ષે મને આ નામથી બોલાવો છો, ત્યારે તે મારા માટે ખૂબ જ શરમજનક છે… ફક્ત મને વિરાટ કહીને બોલાવો.

જો કે અહીં પ્રશ્ન એ છે કે, તેની વિનંતી પર ખરેખર વિચાર કરવામાં આવશે કે કેમ.. તે જોવું રસપ્રદ રહેશે. તેંડુલકરે ઘણા વર્ષો પહેલા તેના ચાહકોને આ જ વિનંતી કરી હતી, પરંતુ આજે તેની નિવૃત્તિના 11 વર્ષ પછી પણ લોકો તેને 'ક્રિકેટનો ભગવાન' માને છે. કોહલીને તેની પેઢીના દર્શકો તરફથી સચિન જેટલો પ્રેમ અને વખાણ મળે છે તે જોતાં તે ભવિષ્યમાં પણ કિંગ જ કહેવાશે.

IPL 2024માં RCB સાથે કોહલીનો આ 17મો કાર્યકાળ હશે. તેણે કહ્યું કે, આ વર્ષે IPL ટ્રોફી જીતવાના તેના સપનાને સાકાર કરવા માટે તે તેની કુશળતા અને અનુભવ પર આધાર રાખશે. તેણે કહ્યું, IPL ટ્રોફી જીતીને કેવું લાગે છે, તે જાણવું મારું સપનું છે, હું એવી ટીમનો ભાગ બનવા માંગુ છું, જે પહેલીવાર ટ્રોફી જીતશે.

RCBના પૂર્વ કેપ્ટને કહ્યું કે, હું મારી ક્ષમતા અને મારા અનુભવથી પ્રશંસકો અને ફ્રેન્ચાઇઝી માટે આ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. IPLમાં સૌથી વધુ રન બનાવનાર કોહલીએ કહ્યું કે, RCB પ્રત્યે તેની પ્રતિબદ્ધતા અતૂટ રહેશે.

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર, કર્ણાટક અને RCBના R વિનય કુમારને એક સમારોહ દરમિયાન ટીમના 'હોલ ઓફ ફેમ'માં સામેલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને સ્મૃતિ મંધાનાએ ભાગ લીધો હતો. RCB મહિલા ટીમને તેમના પુરૂષ સમકક્ષો દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' પણ આપવામાં આવ્યું હતું. મહિલા ટીમે મેદાનની આસપાસ 'ટ્રોફી વોક' પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp