'હું ક્યારેય નહીં રમું', હનુમા વિહારીએ વ્યક્ત કર્યું દુઃખ

PC: cricketaddictor.com

સ્ટાર ક્રિકેટર હનુમા વિહારીએ થોડા સમય પહેલા આંધ્ર ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. હવે હનુમા વિહારીએ સુકાની પદ છોડવાના કારણોનો ખુલાસો કર્યો છે. હનુમાએ કહ્યું કે, તે ફરી ક્યારેય રાજ્ય માટે નહીં રમે. રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં આંધ્રપ્રદેશનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશે આંધ્ર પ્રદેશને ચાર રને હરાવ્યું હતું.

હનુમા વિહારીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'આ પોસ્ટ દ્વારા હું કેટલાક તથ્યો રજૂ કરવા માંગુ છું. બંગાળ સામેની પ્રથમ મેચમાં હું કેપ્ટન હતો. તે મેચ દરમિયાન મેં 17મા ખેલાડી પર બૂમો પાડી અને તેણે તેના પિતા (જે રાજકારણી છે)ને ફરિયાદ કરી. બદલામાં તેના પિતાએ સંઘને મારી સામે કાર્યવાહી કરવા કહ્યું.'

ગયા વર્ષે મધ્ય પ્રદેશ સામેની રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચને યાદ કરતાં વિહારીએ કહ્યું કે, તેણે ટીમ માટે પોતાનું શરીર જોખમમાં મૂક્યું હતું. તેના જમણા હાથની ઈજાને કારણે તે મેચમાં તેને ડાબા હાથે બેટિંગ કરવાની ફરજ પડી હતી, પરંતુ તે આંધ્રને બહાર થતા અટકાવી શક્યો ન હતો.

તેણે કહ્યું, 'મેં ક્યારેય ખેલાડીને અંગત રીતે કંઈ કહ્યું નથી, પરંતુ એસોસિએશનને લાગ્યું કે, ખેલાડી તે વ્યક્તિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે જેણે ગયા વર્ષે પોતાનું શરીર જોખમમાં મૂક્યું હતું અને ડાબા હાથે બેટિંગ કરી હતી. છેલ્લા સાત વર્ષમાં તેણે આંધ્રને પાંચ વખત નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચાડ્યું છે અને ભારત માટે 16 ટેસ્ટ રમી છે.'

30 વર્ષીય વિહારી કહે છે, 'દુઃખની વાત એ છે કે એસોસિએશન માને છે કે, તેઓ જે પણ કહે છે, ખેલાડીઓએ તે સાંભળવું પડશે અને ખેલાડીઓ તેમના કારણે ત્યાં છે. મેં નક્કી કર્યું છે કે, હું આંધ્ર માટે ક્યારેય નહીં રમું, જ્યાં મેં મારું આત્મસન્માન ગુમાવ્યું છે. હું ટીમને પ્રેમ કરું છું, મને ગમે છે કે અમે દરેક સિઝનમાં જે રીતે પ્રગતિ કરી રહ્યા હતા, પરંતુ યુનિયન ઇચ્છતું નથી કે, અમે પ્રગતિ કરીએ.'

ભારત માટે 16 ટેસ્ટ રમનાર મિડલ ઓર્ડર બેટ્સમેન વિહારીએ આંધ્રના કેપ્ટન તરીકે સિઝનની શરૂઆત કરી હતી, પરંતુ ગયા વર્ષના રનર્સ-અપ બંગાળ સામેની પ્રથમ મેચ પછી તેણે પદ છોડ્યું હતું. રિકી ભુઈએ સિઝનની બાકીની મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું અને હવે તે વર્તમાન સિઝનમાં 902 રન સાથે સૌથી સફળ બેટ્સમેન છે.

તે સમયે વિહારીએ કેપ્ટનશીપ છોડવા પાછળ અંગત કારણોને જવાબદાર ગણાવ્યા હતા, પરંતુ હવે જમણા હાથના બેટ્સમેને કહ્યું કે, એસોસિએશને તેને રાજીનામું આપવા કહ્યું છે. વિહારીએ કહ્યું, 'મને શરમ અનુભવાઈ પરંતુ આ સિઝનમાં રમવાનું ચાલુ રાખવાનું એકમાત્ર કારણ એ હતું કે, હું રમત અને મારી ટીમનું સન્માન કરું છું.'

 
 
 
View this post on Instagram

A post shared by Hanuma vihari (@viharigh)

હનુમા વિહારીએ ભારત માટે 16 ટેસ્ટ મેચમાં 33.56ની એવરેજથી 839 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. વિહારીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ જુલાઈ 2022માં બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. વિહારીને ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં રમાયેલી હિંમતભરી ઇનિંગ્સ માટે યાદ કરવામાં આવે છે. તે મેચમાં હનુમા વિહારીએ અંગદની જેમ પગ મૂકીને મેચ બચાવી હતી. ત્યાર પછી જ ભારતે ગાબા ટેસ્ટ જીતીને શ્રેણી જીતી લીધી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Hanuma vihari (@viharigh)

હનુમા વિહારીએ કોઈ ખેલાડીના નામનો ઉલ્લેખ ન કર્યો, પરંતુ આંધ્રના વિકેટકીપર બેટ્સમેન KN પૃથ્વીરાજે જવાબ આપ્યો. પૃથ્વી રાજે લખ્યું, 'બધાને નમસ્તે... હું એ જ માણસ છું જેને તમે કોમેન્ટ બોક્સમાં શોધી રહ્યા છો. તમે લોકોએ જે સાંભળ્યું તે તદ્દન ખોટું છે. સ્પોર્ટ્સથી મોટું કંઈ નથી અને મારું સ્વાભિમાન કોઈ પણ વસ્તુ કરતાં મોટું છે. વ્યક્તિગત હુમલા અને અભદ્ર ભાષા કોઈપણ રીતે અસ્વીકાર્ય છે. તે દિવસે શું થયું હતું તે ટીમમાં દરેક વ્યક્તિ જાણે છે. તમે ઇચ્છો તેમ આ સહાનુભૂતિની રમત રમો.' KN પૃથ્વીરાજના પિતા હાલમાં જનસેના પાર્ટી સાથે જોડાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp