રાજકોટની ટેસ્ટમાં યશસ્વી સદી ફટકારી આઉટ થયા વગર કેમ મેદાન છોડી ગયો

PC: facebook.com/yashasvijaiswal28

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી મેચ ગુજરાતના રાજકોટમાં રમાઇ રહી છે. શુક્રવારે ટીમ ઇન્ડિયાના ઓપનર ખેલાડી યશસ્વી જયસ્વાલે ધમાકેદાર બેટીંગ કરીને સદી ફટકારી દીધી હતી. યશસ્વીએ 122 બોલમાં સેન્ચુરી પુરી કરી દીધી હતી, જેમાં 9 ચોગ્ગા અને 5 સિક્સર સામેલ હતા. યશસ્વીની ટેસ્ટ કેરિયરની આ ત્રીજી સદી હતી, પંરતુ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે, કારણકે યશસ્વીએ એ પછી મેદાન છોડીને જવું પડ્યું હતું.

યશસ્વી જયસ્વાલે શુક્રવારે રાજકોટના મેદાન પર ફટાફટી બોલાવી દીધી અને સદી ફટકારી દીધી હતી, પરંતુ યશસ્વી વધારે સમય મેદાન પર રોકાઇ શક્યો નહોતો. તેણે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. વાત એમ બની હતી કે યશસ્વી જયસ્વાલ જ્યારે બેટીંગ કરી રહ્યો હતો ત્યારે તેને શરીરના પાછળના ભાગે તકલીફ થઇ રહી હતી. તેના ડાબા પગમાં પણ ક્રેમ્પ આવી રહ્યો હતો. યશસ્વીએ રિટાયર્ડ હર્ટ થઈને 133 બોલમાં 104 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.

ભારતની ઇનિંગની 42 ઓવર પુરી થયા પછી આ ઘટના બની હતી. જ્યારે 42મી ઓવર પતી ત્યારે યશસ્વી મેદાન પર સુઇ ગયો હતો. તેને પીઠ અને પગમાં તકલીફ જોવા મળી હતી. એવા સંજોગોમાં ભારતીય ટીમના ફિઝિયો મેદાન પર આવી ગયા હતા. ફિઝિયોની ટ્રીટમેન્ટ પછી યશસ્વી થોડી બોલ પાછો રમ્યો પણ ખરો, પરંતુ તેની તકલીફ ઓછું થવાનું નામ નહોતી લઇ રહી. એવા સંજોગોમાં યશસ્વીએ મેદાન છોડવામાં જ ભલાઇ સમજી.

ક્રિક્રેટમાં રિટાયર્ડ હર્ટના નિયમ મુજબ યશસ્વી જયસ્વાલ ચોથા દિવસે ફરી બેટીંગ માટે આવી શકે છે. રિટાયર્ડ વિશે મેલબોર્ન ક્રિક્રેટ કલબના નિયમોમાં આ વિશે સ્પષ્ટ જાણકારી આપવામાં આવી છે. નિયમ મુજબ જો કોઇ ખેલાડી બિમારી કે, ઇજાને કારણે અથવા કોઇ અનિશ્ચિત કારણોસર રિટાયર્ડ થઇને મેદાન પરથી જાય છે તો તે ફરી બેટીંગ માટે આવી શકે છે. પરંતુ જો બેસ્ટમેન ફરી બેટીંગ માટે આવી શકે તેવી સ્થિતિ ન હોય તો તેને રિટાયર્ડ નોટઆઉટ માનવામાં આવે છે.

રાજકોટમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો ત્રીજા દિવસે રમત સમાપ્ત થતા સુધીમાં ભારતે પોતાની બીજી ઇનિંગ્સમાં 2 વિકેટના નુકશાન પર 196 રન બનાવી લીધા છે. શુભમન ગીલ 65 રન અને કુલદીપ યાદવ 3 રન પર નોટઆઉટ પર છે. ટીમ ઇન્ડિયાના 196 રન અને લીડ સાથે કુલ 322 રન બની ગયા છે. ઇંગ્લેંડે પહેલી ઇનિંગમાં 319 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે પોતાની પહેલી ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારતને 126 રનની લીડ મળી હતી.

ટેસ્ટમાં 500 વિકેટ લઇને ઇતિહાસ બનાવનાર રવિચંદ્રન અશ્વિન પણ આ મેચમાંથી બહાર થઇ ચૂક્યો છે. અશ્વીનના બહાર થવા પર BCCIએ એક રિલીઝમાં કહ્યું હતું કે, અશ્વિન પોતાના પરિવારમાં મેડિકલ ઇમરજન્સી આવવાને કારણે ટેસ્ટમેચમાં આગળ ભાગ નહીં લેશે. અશ્વિનની જગ્યા પર દેવદત્ત પડીકલ ત્રીજા દિવસે મેદાન પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp