દ. આફ્રિકા સામે ભારતે 11 બૉલમાં ગુમાવી 6 વિકેટ, બીજા જ દિવસે પરિણામ આવી જશે?

PC: espncricinfo.com

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે બંને ટીમો ઓલઆઉટ થઈ ગઈ. ટેસ્ટ ક્રિકેટમાં એવો નજારો ખૂબ જ ઓછો જોવા મળે છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને પહેલા 55 રન પર ઓલઆઉટ કરી દીધી હતી, પરંતુ સારી લીડ હાંસલ કરવા તરફ વધી રહેલી ભારતીય ટીમ અચાનક ગંજી પાનાં સમાન વિખેરાઈ ગઈ. ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં એક સમયે 33 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 153 રન બનાવીને મજબૂત નજરે પડી રહી હતી, પરંતુ આગામી 11 બૉલની અંદર ટીમે 6 વિકેટ ગુમાવીને દક્ષિણ આફ્રિકાને વાપસી કરવાનો શાનદાર અવસર આપી દીધો છે.

147 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વખત એમ થયું છે કે એક ટીમે સ્કોર કર્યા વિના 6 વિકેટ ગુમાવી દીધી હોય. દક્ષિણ આફ્રિકન ટીમ પહેલી ઇનિંગમાં 55 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ મોહમ્મદ સિરાજ (6 વિકેટ), જ્યારે જસપ્રીત બૂમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી. ત્યારબાદ ભારતીય ટીમ બુધવારે બીજી અને અંતિમ ટેસ્ટના શરૂઆતી દિવસે પહેલી ઇનિંગમાં 153 રન પર ઓલઆઉટ થઈ ગઈ, જેથી તેણે 98 રનની લીડ હાંસલ કરી. ભારતીય ટીમે ટી બ્રેક સુધી 4 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા હતા, પરંતુ ટી બ્રેક બાદ તેણે 153 રનના સ્કોર પર બાકી બચેલી 6 વિકેટ ગુમાવી દીધી. ભારત માટે 3 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચ્યા, જેમાં સૌથી વધુ 46 રન વિરાટ કોહલીએ બનાવ્યા.

દક્ષિણ આફ્રિકા માટે કાગીસો રબાડા, લૂંગી એનગિડી, અને નાંદ્રે બર્ગરે 3-3 વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ષ 2011માં રમાયેલી મેચ દરમિયાન એક દિવસમાં 23 વિકેટ પડી હતી, જે કેપ્ટાઈનમાં ટેસ્ટ ઇતિહાસમાં એક દિવસમાં સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પહેલા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં 23 વિકેટ પડી છે. તેની સાથે જ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચના એક દિવસમાં સૌથી વધુ વિકેટ પડવાના રેકોર્ડની બરાબરી થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp