આ ભારતીય ખેલાડી માટે માઇકલ વૉને કહ્યું- ટીમ ઈન્ડિયા માટે નવો સેહવાગ સાબિત થશે

PC: twitter.com

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. 5 મેચોની ટેસ્ટ સીરિઝની 3 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે અને ભારતીય ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઈ, જ્યારે ભારતીય ટીમે ઇંગ્લિશ ટીમને 434 રનોથી હરાવી દીધી. રાજકોટમાં ઇંગ્લેન્ડે બૈજબૉલ પર યશસ્વી જયસ્વાલ વધુ ભારે પડ્યો. આ સીરિઝમાં યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 2 બેવડી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલે 3 મેચોની 6 ઇનિંગમાં 109ની એવરેજથી અને 81ની સ્ટ્રાઈક રેટથી 545 રન બનાવ્યા છે.

આ સીરિઝમાં અત્યાર સુધી યશસ્વી જયસ્વાલના બેટથી 22 સિક્સ નીકળી ચૂક્યા છે, જે કોઈ ટેસ્ટ સીરિઝમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલા સૌથી વધુ સિક્સ છે. યશસ્વી માટે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વૉને એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, ભારત પાસે નવો વિરેન્દર સેહવાગ આવી ગયો છે. યશસ્વી જયસ્વાલ એવો ખેલાડી છે જે ક્રિકેટના બધા ફોર્મેટમાં ઘણા બોલિંગ એટેકને વેર વિખેર કરી દેશે, જેમ વીરુ કરતો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે.

યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી સીરિઝની ત્રણેય ટેસ્ટ મેચોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે 80 અને 15 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ તેણે વાઈજેક (વિશાખાપટ્ટનમ)માં રમાયેલી બીજી ટેસ્ટમાં 209 અને 17 રનોની ઇનિંગ રમી. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે પહેલી ઇનિંગમાં 10 રન બનાવ્યા, જ્યારે બીજી ઇનિંગમાં નોટઆઉટ 214 રન બનાવી નાખ્યા. યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી માત્ર 7 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ આ 7 ટેસ્ટ મેચોમાં જ તેણે જે બેટિંગ કરી તે ઉદાહરણ બનતી જઇ રહી છે.

યશસ્વી જયસ્વાલે 13 ટેસ્ટ ઇનિંગમાં 71.75ની એવરેજથી કુલ 861 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી 1 સદી અને 2 બેવડી સદી ફટકારી ચૂક્યો છે. એ સિવાય તેના ખાતામાં 2 અડધી સદી પણ છે. માત્ર 13 ટેસ્ટ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ કુલ 25 સિક્સ લગાવી ચૂક્યો છે. જો ત્રીજી મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે 445 રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 319 રન બનાવ્યા હતા. તો ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 430 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડને 556 રનનો ટારગેટ મળ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લિશ ટીમ 122 રનમાં જ ઢેર થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp