493 વિકેટ, 2500 રન બનાવનાર આ પૂર્વ ભારતીય ખેલાડી બન્યો કેન્યાનો હેડ કોચ

PC: ICC

ક્રિકેટ કેન્યાએ ભૂતપૂર્વ ભારતીય બોલર ડોડા ગણેશને તેમના દેશની સિનિયર મેન્સ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. જમણા હાથના મધ્યમ ઝડપી બોલર ડોડા ગણેશે 1996-97માં ઝિમ્બાબ્વે સામેની તેની એકમાત્ર ODIમાં 5 ઓવરમાં એક વિકેટ લીધી અને 20 રન આપ્યા. તેણે 4 ટેસ્ટ મેચ રમી (દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં) અને 57.40ની એવરેજથી પાંચ વિકેટ લીધી.

ડોડા ગણેશ તેની બોલિંગ એક્શનને કારણે પણ ચર્ચામાં હતા. તેની બોલિંગ એક્શન કંઈક અંશે કપિલ દેવ જેવી હતી. ત્યાર પછી તેણે પોતાની એક્શનમાં સુધારો કર્યો, પરંતુ ટીમ ઈન્ડિયામાં ફરીથી વાપસી કરવામાં નિષ્ફળ રહ્યો. ડોડા ગણેશ 1998-1999 સીઝનમાં હોમ ટીમ કર્ણાટક માટે સૌથી સફળ બોલર હતા. તે સમયે કર્ણાટકની ટીમમાં જવાગલ શ્રીનાથ, વેંકટેશ પ્રસાદ, અનિલ કુંબલે અને જોશી જેવા અન્ય રાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થતો હતો.

ડોડા ગણેશે તેની કારકિર્દીમાં કુલ 104 ફર્સ્ટ ક્લાસ અને 89 લિસ્ટ A મેચ રમ્યા હતા. જેમાં તેણે અનુક્રમે 365 અને 128 વિકેટ લીધી હતી. ડોડા ગણેશની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક સદી પણ છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 2023 રન અને લિસ્ટ A ક્રિકેટમાં 525 રન પણ બનાવ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ વિકેટ ગેરી કર્સ્ટનની હતી. ડોડાએ 2 થી 6 જાન્યુઆરી 1997ની વચ્ચે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તે પ્રથમ દાવમાં કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. બીજા દાવમાં તેણે ગેરી કર્સ્ટનને LBW કર્યો હતો.

ડોડા ગણેશને માત્ર એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મીડિયા સૂત્રએ ડોડા ગણેશનો ઉલ્લેખ કરીને કહ્યું, 'મારો પહેલો ધ્યેય વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાનો છે' કેન્યા અત્યાર સુધી 4 ODI વર્લ્ડ કપ (1996, 1999, 2003 અને 2011) અને એક T20 વર્લ્ડ કપ (2007) રમી ચૂક્યું છે. વૈશ્વિક ઈવેન્ટમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે કેન્યાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી.

ડોડા ગણેશે કહ્યું, ‘કેન્યાએ 1996, 1999, 2003, 2007 અને 2011માં વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. મેં તેમનું સમર્પણ અને મહેનત જોઈ. મને ખબર નથી કે, છેલ્લા 10 વર્ષમાં શું થયું, પરંતુ હું ઇતિહાસ વિશે વાત કરવા માંગતો નથી. હું સકારાત્મક રીતે જોઉં છું કે, કેન્યાના લોકો ચેમ્પિયન છે.'

કેન્યા સપ્ટેમ્બરમાં ICC વર્લ્ડ કપ ચેલેન્જ લીગ સાથે ઘરની ધરતી પર એક્શનમાં પરત ફરશે. આ સ્પર્ધામાં પાપુઆ ન્યુ ગીની, ડેનમાર્ક, કુવૈત, જર્સી અને કતાર જેવી ટીમો પણ ભાગ લેશે. કેન્યાના કોચ તરીકે પોતાની જવાબદારી વિશે બોલતા 51 વર્ષીય ગોડા ગણેશે કહ્યું, 'હું એક પ્રોફેશનલ કોચ છું અને અહીં આવતા પહેલા, હું બોલરો અને બેટ્સમેનોને જોવા માટે યુટ્યુબ પર ગયો હતો અને હું કહી શકું છું કે તેઓ સારી સ્થિતિમાં છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp