શું ઇન્ડિયા વિશ્વકપ જીતી શકશે કે નહી? પોન્ટિંગે કરી ભવિષ્યવાણી

PC: crickettimes.com

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે આઠ વિકેટે શાનદાર જીત સાથે કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ તેના પછી રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવીને જીતની પરંપરા જાળવી રાખી અને કટ્ટર હરીફ પાકિસ્તાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની આખી ટીમને માત્ર 191 રનમાં આઉટ કરીને સાત વિકેટે એકતરફી જીત પ્રાપ્ત કરી હતી અને આ સાથે જ ટીમ ઈન્ડિયાએ તેની વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે(8-0)ના પોતાના વિજય અભિયાનને જાળવી રાખ્યું હતું.

ટીમ ઈન્ડિયાના અત્યાર સુધીના પ્રદર્શન પરથી દરેક વ્યક્તિ અંદાજ લગાવી શકે છે કે, ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ કપ જીતી શકે છે. જો કે આ હજુ ટુર્નામેન્ટનો પ્રારંભિક તબક્કો છે, ટીમ ઈન્ડિયાએ તેની બાકીની મેચોમાં પણ આ જ પ્રકારનું પ્રદર્શન જાળવી રાખવું પડશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીતવાની આશાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.

ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર રિકી પોન્ટિંગનું માનવું છે કે 'રિલેક્સ્ડ' કેપ્ટન રોહિત શર્મા ભારતને તેની ધરતી પર બીજો વર્લ્ડ કપ અપાવી શકે છે. ભારતે સતત ત્રણ શાનદાર જીત સાથે તેના વર્લ્ડ કપ અભિયાનની ખુબ જ સારી શરૂઆત કરી છે. રોહિત શર્મા પર પોન્ટિંગે ICCને કહ્યું, 'તે એકદમ બેફિકર છે, ચિંતા વગરનો છે. તે જલ્દીથી વિચલિત થતો નથી. તેની રમતમાં પણ આ દેખાય છે. તે એક શાનદાર બેટ્સમેન છે અને મેદાન પર અને મેદાનની બહાર એકદમ બેફિકર જેવો દેખાય છે.'

રોહિત ડિસેમ્બર 2021માં વિરાટ કોહલીની જગ્યાએ ભારતનો કેપ્ટન બન્યો હતો. પોન્ટિંગનું માનવું છે કે, રોહિતની કેપ્ટન્સીમાં વિરાટ તેની બેટિંગ પર ધ્યાન આપી શકે છે. તેણે કહ્યું, 'વિરાટ ખૂબ જ લાગણીશીલ ખેલાડી છે. તે ચાહકોની વાત સાંભળે છે અને તેમને જવાબ પણ આપે છે. તેના જેવા વ્યક્તિ માટે આ કામ થોડું મુશ્કેલ હોતે.' પોન્ટિંગે કહ્યું, 'રોહિતને કોઈ મુશ્કેલી નહીં પડે. તે એક શાનદાર ખેલાડી છે અને ખૂબ જ સારી કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે.'

ભારતે છેલ્લે 2011માં શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને પોતાની જ ધરતી પર વર્લ્ડ કપ જીત્યો હતો. પોતાના દેશમાં રમતી વખતે સારું પ્રદર્શન કરવાનું દબાણ હોય છે, પરંતુ પોન્ટિંગે કહ્યું કે, રોહિત તેને સંભાળવામાં સક્ષમ છે. તેમણે કહ્યું, 'એવું ન કહી શકાય કે ભારત પર અપેક્ષાઓનું દબાણ નહીં હોય. તે ચોક્કસપણે થશે પરંતુ રોહિત તેનો સામનો કરી શકે છે. ભારત પાસે ઘણી પ્રતિભાશાળી ટીમ છે. તેની ઝડપી બોલિંગ, સ્પિન, ટોપ ઓર્ડર, મિડલ ઓર્ડર બધું જ શાનદાર છે. તેમને હરાવવા ખૂબ મુશ્કેલ હશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp