જોની બેયરસ્ટોએ ભારત સાથે માઈન્ડ ગેમ ચાલુ કરી, કહ્યું- ટર્નિંગ પિચ તૈયાર કરી તો..

PC: zeenews.india.com

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેરસ્ટોનું માનવું છે કે, જો ભારત 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટર્નિંગ પિચ તૈયાર કરશે તો તેનાથી તેના ઝડપી બોલિંગ આક્રમણની તાકાતમાં ઘટાડો થઇ જશે. જ્યારે ઈંગ્લેન્ડે 2021માં ભારતનો પ્રવાસ કર્યો ત્યારે સ્પિનરો માટે અનુકૂળ પીચો પર તેમને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેનો રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની લહેરાતી બોલનો સામનો કરી શક્યા ન હતા.

બેયરસ્ટોએ મીડિયા સૂત્રો સાથે વાત કરતા કહ્યું, 'ભારત વિવિધ પ્રકારની પીચો તૈયાર કરી શકે છે. એવી પીચો પણ કે જેમાં બોલ ટર્ન ન થાય. અમે બધાએ જોયું છે કે, તાજેતરમાં તેનું ઝડપી બોલિંગ આક્રમણ કેટલું શક્તિશાળી છે.' તેણે કહ્યું, 'મને વિશ્વાસ છે કે તે ટર્નિંગ વિકેટો બનાવશે. તે પહેલા દિવસથી જ ટર્ન લેશે કે નહીં તે કહી શકાય નહીં, કારણ કે તેનાથી તેના ઝડપી બોલિંગ આક્રમણની તાકાત ઘટી જશે. અમે બધા જાણીએ છીએ કે, તેમનું ઝડપી બોલિંગ આક્રમણ કેટલું મજબૂત છે.' ઇંગ્લૅન્ડના આ 34 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, તે ભારતમાં સ્પિન બોલરોના પડકાર વિશે વધુ વિચારવા માંગતો નથી.

તેણે કહ્યું, 'ચોક્કસપણે છેલ્લી વખતે અક્ષર અને અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમે ભૂલી જઈએ છીએ કે, અમારા બેટ્સમેનોએ પ્રથમ ટેસ્ટ મેચમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જો રૂટે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી અને ત્યાર પછી સંજોગો સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા.' બેયરસ્ટોએ કહ્યું કે, 'અમે જાણીએ છીએ કે, તેમની પાસે કુશળ સ્પિનરો છે, ખાસ કરીને ભારતમાં, તેમનો સામનો કરવો સરળ નથી. અમે જાણીએ છીએ કે તેઓ અમને પડકારશે. પછી ભલે ને અક્ષર રમે કે ના રમે અથવા (રવીન્દ્ર) જાડેજા રમે કે કુલદીપ (યાદવ) રમે, કોણ જાણે છે.'

તેણે કહ્યું, 'આપણે રાહ જોવી પડશે, તેમની ટીમની જાહેરાત થાય અને સ્થિતિ જાણી શકાય તે પહેલા તેના વિશે વધુ વિચારવાનો કોઈ અર્થ નથી.' બેયરસ્ટોએ કહ્યું કે, વિકેટ લેવાની જવાબદારી માત્ર સ્પિનરો પર નહીં પરંતુ સમગ્ર ટીમ પર રહેશે. તેણે કહ્યું, 'મારું માનવું છે કે, 20 વિકેટ લેવા માટે સમગ્ર બોલિંગ આક્રમણને પ્રયાસ કરવો પડશે. આ એકલા સ્પિનરોની જવાબદારી નહીં હોય. ફાસ્ટ બોલરોએ પણ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. બેટ્સમેનોની ભૂમિકા ઘણી મહત્વની રહેશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp