ટેસ્ટમાં KL રાહુલે ગુમાવી વિકેટકીપિંગ, ઈંગ્લેન્ડ સામે નવાને મળશે જવાબદારી
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયાર છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઘરઆંગણે ટીમ ઈન્ડિયાની યોજનાઓ વિશે કેટલાક સંકેતો આપ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે વિકેટ કીપર તરીકે ભારત માટે ટેસ્ટ રમનાર KL રાહુલ આ ભૂમિકામાં ચાલુ રહેશે કે નહીં તે અંગે ટીમની યોજના સ્પષ્ટ છે. કોચે કહ્યું કે, તે ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણીમાં બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે.
ભારતીય મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે કહ્યું કે, લોકેશ રાહુલ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં વિકેટકીપર તરીકે નહીં રમે. વિકેટકીપરની ભૂમિકા માટે K.S. ભરત અને ધ્રુવ જુરેલ વચ્ચે સ્પર્ધા થઈ શકે છે. રાહુલે હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની શ્રેણીમાં વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી અને વિકેટ પાછળ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી ગુરુવારથી શરૂ થશે.
દ્રવિડે પત્રકાર પરિષદમાં કહ્યું, 'રાહુલ આ શ્રેણીમાં વિકેટકીપર તરીકે નહીં રમે અને અમે અમારી પસંદગી અંગે સ્પષ્ટ છીએ. અમે અન્ય બે વિકેટકીપર પસંદ કર્યા છે અને અલબત્ત રાહુલે દક્ષિણ આફ્રિકામાં અમારા માટે શાનદાર કામ કર્યું હતું અને અમારી શ્રેણી ડ્રો કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ પાંચ ટેસ્ટ મેચો (ઇંગ્લેન્ડ સામે) અને આ સ્થિતિમાં રમવાને ધ્યાનમાં રાખીને, પસંદગી અન્ય બે વિકેટકીપર વચ્ચે થશે.'
ભારતીય ટીમ 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ મેચ 25 થી 29 જાન્યુઆરી વચ્ચે હૈદરાબાદમાં રમાવાની છે. બીજી ટેસ્ટ મેચ 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં રમાશે. ત્રીજી મેચમાં બંને ટીમો 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટમાં સામસામે ટકરાશે. ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી 11 માર્ચ વચ્ચે ધર્મશાલામાં રમાશે.
પ્રથમ ટેસ્ટઃ 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ, બીજી ટેસ્ટઃ 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ, ત્રીજી ટેસ્ટઃ 15-19 ફેબ્રુઆરી, રાજકોટ, ચોથી ટેસ્ટઃ 23-27 ફેબ્રુઆરી, રાંચી, પાંચમી ટેસ્ટઃ 7-11 માર્ચ, ધર્મશાલા.
ખૂબ જ ઓછા સમયમાં ધ્રુવ જુરેલે સ્થાનિક ક્રિકેટમાં પોતાની બેટિંગની સાથે વિકેટ કીપિંગની પ્રતિભા બતાવી છે. ઈંગ્લેન્ડ લાયન્સ સામે પણ તેણે ઈન્ડિયા A માટે માત્ર 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેની શાનદાર વિકેટકીપિંગના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખરેખર હવે, એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે ઈંગ્લેન્ડ સામે વિકેટકીપિંગની ભૂમિકા કોણ સંભાળશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp