કે.એલ. રાહુલને સારૂ રમી રહ્યો હોવા છતાં છે એક મોટું દર્દ, મીડિયા સમક્ષ છલકાયું

PC: BCCI

ભારતનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ ઇજાથી સાજો થયા બાદ જ રંગમાં નજરે પડી રહ્યો છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો હતો અને ગયા મહિને એશિયા કપમાં વાપસી કરી. તેણે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી અને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં બે અડધી સદી બનાવી હતી. રાહુલે વર્લ્ડ કપ 2023ની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ ધમાલ મચાવી હતી. તેણે રવિવારે રમાયેલી મેચમાં નોટઆઉટ 97 રન બનાવ્યા હતા અને આ કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જો કે, કે.એલ. રાહુલ માટે ઇજાના પહેલાનો સમય થોડો મુશ્કેલ હતો, જ્યારે તે મોટી ઇનિંગ રમી શકતો નહોતો. એ સમયે કે.એલ. રાહુલની પૂર્વ ક્રિકેટર્સથી લઈને વિશેષજ્ઞોએ સખત નિંદા કરી હતી. તેની પાસેથી ઉપકેપ્ટન્સી પણ છીનવી લેવામાં આવી હતી. કે.એલ. રાહુલે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પોતાના બેટથી નિંદા કરનારા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે અને હવે વર્લ્ડ કપની પહેલી મેચમાં યાદગાર પ્રદર્શન બાદ તેનું દર્દ છલકાઈ ઉઠ્યું હતું.

તેણે સ્ટાર સ્પોર્ટ્સના શૉ ‘ફોલો ધ બ્લૂઝ’માં કહ્યું કે, ‘મારી ખૂબ નિંદા થઈ રહી હતી. લોકો દરેક મેચમાં મારા પ્રદર્શન બાબતે ટિપ્પણી કરી રહ્યા હતા. મને સમજમાં આવી રહ્યું નહોતું કેમ કે હું એટલો ખરાબ રમી રહ્યો નહોતો. તે ખૂબ મુશ્કેલીભર્યો સમય હતો. હું ઇજામાંથી પસાર થવાના દર્દ અને શરૂઆતમાં વાપસીની પ્રોસેસને જાણું છું. પછી મને IPL દરમિયાન દર્દનાક ઇજા થઈ. મને ખબર પડી કે, 4-5 મહિનાનું નુકસાન થશે અને વર્લ્ડ કપનો હિસ્સો બનવું પણ 100 ટકા નિશ્ચિત નથી, તો એવામાં એ ખૂબ મુશ્કેલ સમય હતો.’

કે.એલ. રાહુલે આગલ કહ્યું કે, ‘છેલ્લા ઘણા વર્ષોથી હું ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી રહ્યો છું. પોતાના નાનકડા કરિયરમાં મેં ઘણી સર્જરી કરાવી છે અને ઘણી ઇજાઓ સહી છે. એટલે હું ઈજામાંથી પસાર થવાના દર્દ અને વાપસીની પ્રક્રિયાને સમજુ છું. એ મુશ્કેલ હોય છે. હું ખૂબ સકારાત્મક હતો અને માત્ર એક જ મોટિવેશન હતું કે મારે વર્લ્ડ કપ અગાઉ કમબેક કરવું છે. મારે ઘરેલુ વર્લ્ડ કપનો હિસ્સો બનવું છે. તેણે જ ધ્યાનમાં રાખીને મેં તૈયારી કરી. હું રોજ એ વિચારીને ઊઠતો હતો કે અમારે વર્લ્ડ કપ જીતવો છે અને એ જ મારું એકમાત્ર મોટિવેશન રહ્યું.

રાહુલે કહ્યું કે, રોજ સવારે આ જ વસ્તુ મને બેડ પરથી ઉઠાડતી હતી અને મને જિમમાં સારું કામ કરવા માટે પ્રેરિત કરતી. એ બતાવે છે કે મારા અને દરેક માટે વર્લ્ડ કપ કેટલો ખાસ છે. ઘરેલુ વર્લ્ડ કપ રમવું દરેક ક્રિકેટરનું સપનું હોય છે અને બધા માટે ખાસ છે. હું તેના માટે ખૂબ ખુશ છે.’ ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરી કરી દીધી છે. હવે તેણે આગામી મેચ બુધવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp