મોહમ્મદ શમી T20 વર્લ્ડ કપમાંથી બહાર...જય શાહે રિષભ પંત સામે આ શરત મૂકી

PC: crictoday.com

ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. હવે ભારતીય ખેલાડીઓ 22 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ભાગ લેવા જઈ રહ્યા છે. IPL 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સ (GT)ને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આગામી IPLમાં ભાગ લઈ શકશે નહીં.

શમીએ ગયા મહિને પગની સર્જરી કરાવી હતી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ (DC) માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિષભ પંત IPL 2024 દ્વારા સ્પર્ધાત્મક ક્રિકેટમાં પુનરાગમન કરવા જઈ રહ્યો છે. પંતને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ડિસેમ્બર 2022માં થયેલા ભયાનક કાર અકસ્માત બાદથી પંત રમતથી દૂર છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે રિષભ પંત, મોહમ્મદ શમી અને KL રાહુલને લઈને મોટું અપડેટ આપ્યું છે. શાહે કહ્યું કે, પગની સર્જરીમાંથી સાજો થઈ રહેલો શમી આ વર્ષે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણી દરમિયાન પુનરાગમન કરી શકે છે. ભારત સપ્ટેમ્બરમાં બે ટેસ્ટ અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો માટે બાંગ્લાદેશની યજમાની કરશે. શમીએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી.

જય શાહે મીડિયાને કહ્યું, 'શમીએ સર્જરી કરાવી છે અને તે ભારત પરત ફર્યો છે. શમી બાંગ્લાદેશ સામેની ઘરઆંગણે શ્રેણી માટે પરત ફરે તેવી શક્યતા છે. KL રાહુલને ઈન્જેક્શનની જરૂર હતી. તેણે પુનર્વસન (ઈજામાંથી પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા) શરૂ કરી છે અને તે NCAમાં છે.' જમણા ક્વાડ્રિસેપ્સ (જાંઘના સ્નાયુઓ)માં દુખાવાની ફરિયાદને કારણે રાહુલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી ચાર મેચ રમી શક્યો ન હતો. લંડનમાં સારવાર કરાવ્યા પછી, તે IPLમાં લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) માટે રમે તેવી અપેક્ષા છે.

BCCI સેક્રેટરીએ કહ્યું કે,  રિષભ પંત IPLમાં પરત ફરવા માટે તૈયાર છે. શાહે કહ્યું, 'તે સારી બેટિંગ કરી રહ્યો છે, તે સારી રીતે વિકેટકિપિંગ કરી રહ્યો છે. અમે તેને જલ્દી ફિટ જાહેર કરીશું. જો તે T20 વર્લ્ડ કપ રમી શકે છે, તો તે અમારા માટે મોટી વાત હશે. તે અમારા માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. જો તે વિકેટકિપિંગ કરી શકશે તો તે વર્લ્ડ કપ રમી શકશે. ચાલો જોઈએ કે તે IPLમાં કેવું પ્રદર્શન કરે છે.'

જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશી રોકાણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે જય શાહે કહ્યું કે, તે શક્ય નથી કારણ કે, BCCI એક સોસાયટી છે અને કંપની નથી. શાહે કહ્યું, 'BCCI એક સોસાયટી છે અને તેમાં કોઈ રોકાણ કરી શકે નહીં.' ગયા વર્ષે એવા સમાચાર આવ્યા હતા કે, સાઉદી અરેબિયા IPLમાં અબજો ડોલરના રોકાણ પર નજર રાખી રહ્યું છે. ભારતમાં નોંધાયેલ સોસાયટીઓ કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મંજૂરી વિના વિદેશી રોકાણ સ્વીકારી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp