કેપ્ટન તરીકે રોહિતની જીતની ટકાવારી 82 ટકા છે, ચિંતા કરવાની જરૂર નથીઃ ગાંગુલી

PC: zeenews.india.com

T20 ક્રિકેટમાં ભારતીય ટીમ તાજેતરના સમયમાં કેટલીક મહત્વપૂર્ણ મેચો જીતવામાં નિષ્ફળ રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા મંગળવારે (20 સપ્ટેમ્બર) મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 208 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. તો આ મહિનાની શરૂઆતમાં, તેમને એશિયા કપ 2022 માં શ્રીલંકા અને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમના આ પ્રદર્શને ચિંતાનો વિષય બનાવી દીધો છે કારણ કે T20 વર્લ્ડ કપમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ભારતીય ચાહકો ભલે ટીમના તાજેતરના પ્રદર્શનથી નિરાશ હોય છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો મત અલગ છે. ગાંગુલીને આશા છે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં કમબેક કરશે. આ સિવાય ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટનશિપને લઈ પણ વાત કરી હતી.

સૌરવ ગાંગુલીએ ઈન્ડિયા ટુડેને કહ્યું, 'ભારત છેલ્લી બે-ત્રણ મેચ હારી ગયું છે, પરંતુ તેનો ગ્રાફ ઘણો સારો છે. કેપ્ટન તરીકે રોહિત શર્માનો ગ્રાફ જુઓ, તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેની જીતની ટકાવારી 82 ટકા છે. તેણે લગભગ 35 મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને માત્ર 3-4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હું જાણું છું કે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ ખરેખર ટીમને લઈને ચિંતિત છે. મને આશા છે કે તેઓ નાગપુરમાંં વાપસી કરશે. હું 2 કે 3 હારને લઈ બિલકુલ ચિંતિત નથી. તેણે ટીમ સાથે મળીને વાત કરી છે. આશા છે કે તેઓ જલ્દી વાપસી કરશે.

સૌરવ ગાંગુલીએ એ પણ આશા વ્યક્ત કરી કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આગામી ICC ટૂર્નામેન્ટમાં પોતાનું ફોર્મ ચાલુ રાખશે. કોહલી એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે મેચમાં સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. તે મેચમાં કોહલીએ રોહિત શર્માની ગેરહાજરીમાં ઇનિંગની શરૂઆત કરી હતી અને માત્ર 61 બોલમાં 122 રન બનાવ્યા હતા.

ગાંગુલીએ કહ્યું, 'ભારત વર્લ્ડ કપના થોડા અઠવાડિયા પહેલા ઓસ્ટ્રેલિયા જશે. મને આશા છે કે ભારત સારું પ્રદર્શન કરશે અને તેઓ ટૂર્નામેન્ટ માટે સારી રીતે તૈયાર છે. વિરાટ કોહલી વર્લ્ડ કપમાં ભારતની ટીમનો મહત્વનો હિસ્સો છે. પરંતુ ભારતે સારું રમવું પડશે. કોહલી, રોહિત, પંડ્યા ઉપરાંત બાકીના ખેલાડીઓને પણ. વિરાટ ફોર્મમાં પાછો ફર્યો એ સારા સમાચાર છે. હું આશા રાખું છું કે તે ચાલુ રાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp