'એના પર તો કોઈનું નિયંત્રણ નથી', વર્લ્ડ કપ ન રમી શકવા પર અક્ષરનું દર્દ છલકાયું
ભારતીય સ્પિનર અક્ષર પટેલે સ્વીકાર્યું હતું કે, ઈજાના કારણે ODI વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી તે નિરાશ થયો હતો અને તેમાંથી સાજા થવામાં તેને એક સપ્તાહનો સમય લાગ્યો હતો. આ 29 વર્ષીય ખેલાડીને વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તે એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને બહાર થવું પડ્યું હતું. તેના સ્થાને રવિચંદ્રન અશ્વિનને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી T20 મેચ પછી કહ્યું, 'ચોક્કસપણે આનાથી કોઈને પણ નિરાશા તો થાય જ. ભારતમાં વર્લ્ડ કપ યોજાઈ રહ્યો હતો, પરંતુ હું ઈજાગ્રસ્ત થયો હતો. શરૂઆતના કેટલાક દિવસો હું ઈજાના કારણે રમી ન શકતો નથી એ વિશે વિચારતો હતો.'
અક્ષર પટેલે કહ્યું, 'પરંતુ ટીમ સારું પ્રદર્શન કરી રહી હતી, તેથી 5-10 દિવસ પછી મેં ફરીથી પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે તમે ઈજાના કારણે બહાર છો અને તે 5-10 દિવસમાં તમે કંઈ કરી શકતા નથી. જો એમ હોય તો તમને ખરાબ લાગે છે. આ પછી મેં મારી જૂની દિનચર્યા શરૂ કરી.' ઓસ્ટ્રેલિયા સામેની T-20 શ્રેણીમાં પાછા ફરનાર અક્ષરે કહ્યું, 'હું નિરાશ હતો, પરંતુ તે ઈજાને કારણે થયું હતું. એના પર કોઈનું નિયંત્રણ નથી. આ રમતનો એક ભાગ છે.'
અક્ષર પટેલે કહ્યું, 'જો તમે ઈજાના કારણે થોડા સમય માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર રહ્યા પછી પરત ફરો છો, તો તમે તમારી જાતને સાબિત કરવાનો પ્રયાસ કરો છો. આ સાથે, તમારે તમારા શરીરનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે, તેથી હું એક સમયે માત્ર એક જ મેચ પર ધ્યાન કેન્દ્રિત કરું છું.' ODI વર્લ્ડ કપમાં ન રમી શક્યા પછી, અક્ષર હવે આવતા વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત થનારા T20 વર્લ્ડ કપમાં રમવા માંગે છે, અને તે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું તેણે જણાવ્યું હતું.
અક્ષરે કહ્યું, 'T20 વર્લ્ડ કપ પહેલા મને નથી લાગતું કે, ભારતે ઘણી બધી T20 મેચ રમવાની છે, તેથી અમારે અત્યારથી જ પ્લાનિંગ કરવું પડશે, કારણ કે વર્લ્ડ કપ જૂનમાં છે અને આ દરમિયાન IPL પણ યોજાવાની છે. તેથી તેની તૈયારીઓ ચાલી રહી છે. તમામ ખેલાડીઓને તેમની ભૂમિકા સમજાવવામાં આવી છે, તેઓએ કઇ પોઝિશનમાં રમવાનું છે અને એકવાર રાહુલ (દ્રવિડ) સર પાછા આવશે તો તેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે, પરંતુ અમને ખબર છે કે, આ શ્રેણીમાં અમારે શું કરવાનું છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારની શંકા નથી.'
દક્ષિણ આફ્રિકા સામેની આગામી T20 શ્રેણી માટે અક્ષર પટેલની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી અને તેના સ્થાને રવિન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવ્યો છે. આ મેચમાં 16 રન આપીને ત્રણ વિકેટ લેનાર અક્ષરને પૂછવામાં આવ્યું કે, શું તે પોતાને સાબિત કરવા માંગે છે, તો તેણે કહ્યું, 'ના, એવું નહોતું. જો મેં રન આપ્યા હોત તો તમે કહ્યું હોત કે હું ચિંતિત છું. હું આરામદાયક હતો. મારા મગજમાં એવી કોઈ વાત નહોતી કે, મારે મારી જાતને સાબિત કરવી પડે. હું સારું પ્રદર્શન કરી રહ્યો છું અને આ મારો નિર્ણય નથી. હું તેના વિશે વિચારી રહ્યો નહોતો અને હું ખુશ છું કે આજે મેં વિકેટ લીધી.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp