IPLમાં કોઈ ટીમે પૃથ્વીને ન લીધો, દિલ્હી કેપિટલ્સના માલિકે જણાવ્યું કારણ
IPL ઓક્શન 2025માં પૃથ્વી શૉ વેચાયો ન હતો. કોઈ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. પૃથ્વી શૉ IPLમાં છેલ્લે દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. અને હવે તેના ન વેચાવા પર આ ટીમના કો-ઓનર પાર્થ જિંદાલે પોતાની પ્રતિક્રિયા આપી છે. જિંદાલે સ્પષ્ટ કહ્યું કે, પૃથ્વીને લઈને ઘણી રીતે ગેરસમજ કરવામાં આવી હતી. પણ તેને એક ઝટકાની જરૂરત હતી.
પૃથ્વી શૉ 2018થી જ દિલ્હીનો ભાગ હતો. આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલા શૉને દિલ્હીએ 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2022ની હરાજી પહેલા દિલ્હીએ શૉને 7.5 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. પરંતુ છેલ્લી કેટલીક સિઝનમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝીએ તેનામાં રસ દાખવ્યો ન હતો.
શૉએ IPL 2024ની આઠ મેચમાં માત્ર 198 રન બનાવ્યા હતા. દિલ્હીએ હરાજી પહેલા તેને મુક્ત કર્યો હતો. ગયા સપ્તાહના અંતમાં જેદ્દાહમાં યોજાયેલી IPL 2025ની હરાજીમાં શૉને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. ત્યાં સુધી કે તેને ઝડપી રાઉન્ડ માટે પણ બોલાવવામાં આવ્યો ન હતો. હવે જો તે કોઈ ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે નહીં આવે તો 2018 પછી આ પહેલીવાર હશે જ્યારે શૉ IPLનો ભાગ નહીં હોય.
મીડિયા સૂત્ર સાથે વાત કરતી વખતે જિંદાલે શૉની પ્રશંસા કરી હતી. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, તેઓએ સખત મહેનત કરવાની અને શિસ્તબદ્ધ રહેવાની જરૂર છે. જિંદાલે આશા વ્યક્ત કરી હતી કે, શૉ ટૂંક સમયમાં ફોર્મમાં પરત ફરશે. જિંદાલે કહ્યું, 'પૃથ્વી એક અદ્ભુત બાળક છે. ઘણી રીતે તેને સમજવામાં ગેરસમજ થઈ. મને લાગે છે કે, જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, તેમ આપણે બધાને ઉંઘમાંથી જાગૃત કરવા માટે એક ઝટકાની જરૂર હોય છે. ઘણી વખત મને પણ આવા ઝટકાની જરૂર પડી હતી. તમારી આખી જીંદગી તમે એ સાંભળીને મોટા થયા છો કે, તમે ખાસ છો, સૌથી પ્રતિભાશાળી છો, સચિન અને વિરાટ સિવાય, તમે MRF બેટ ધરાવનાર એકમાત્ર ક્રિકેટર છો. આ એ બતાવે છે કે, લોકો તેમના વિશે શું વિચારે છે.'
પોતાની વાતને આગળ વધારતા જિંદાલે કહ્યું, 'લોકો તમને લારા કહે છે, કેટલાક તમને સચિન કહીને બોલાવે છે, કેટલાક તમને ભવિષ્યનો મોટો ખેલાડી કહે છે. તમે આ વાતાવરણમાં મોટા થયા છો. મુંબઈ ક્રિકેટના બધા લોકો તમારા વિશે મોટી મોટી વાતો કરે છે. મને લાગે છે કે, પૃથ્વીને આ ઝટકાની જરૂર હતી. અત્યાર સુધી તેની પાસે IPLનો સારો કોન્ટ્રાક્ટ હતો. તે તમામ ફોર્મેટમાં મુંબઈ માટે રમી રહ્યો હતો અને દિલ્હી કેપિટલ્સ માટે પણ રમવાનું શરૂ કરી રહ્યો હતો.
મને લાગે છે કે, તેણે વધુ મહેનત કરવાની જરૂર છે. તેણે ફરીથી ક્રિકેટને પ્રેમ કરવો પડશે. તેણે ફરી નેટ્સ પર પાછા ફરવું પડશે. ફિટનેસ સુધારવાની જરૂર છે. તેઓએ વિચારવું પડશે કે કઈ વસ્તુ ક્યાં ખરાબ થઇ છે. ઉપરાંત, તેઓએ શિસ્તબદ્ધ પણ રહેવું પડશે. દરેક વ્યક્તિ તેની પ્રતિભા જોઈ શકે છે. હું આશા કરું છું કે તે પુનરાગમન કરશે અને તે એવો જ પૃથ્વી શૉ બનશે જેના વિશે આપણે બધા જાણીએ છીએ.'
શૉ અત્યાર સુધીમાં કુલ 79 IPL મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં શૉના નામે 23.95ની એવરેજ અને 147થી વધુની સ્ટ્રાઈક રેટથી 1892 રન છે. તેણે તેની IPL કારકિર્દીમાં 15 અર્ધસદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 99 રન છે. શૉએ IPL 2025ની હરાજીમાં તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા રાખી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp