વીઝાના સંકટમાં ફસાઈ પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ભારત આવવા હજુ વધારે રાહ જોવી પડશે

PC: twitter.com

વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને તેના અધિકારીઓ હજુ પણ ભારત તરફથી વિઝા મળવાની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે દુબઈ થઈને હૈદરાબાદ (ભારત) પહોંચવાની છે. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ બે દિવસ પછી 29 સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ રમવાની છે. પાકિસ્તાનની ટીમ ભારત પહોંચતા પહેલા દુબઈમાં બે દિવસ વિતાવવાની હતી, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સૂત્રોએ જણાવ્યું કે, દુબઈનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે, કારણ કે ખેલાડીઓ ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના વિઝાની રાહ જોઈ રહ્યા છે.

સૂત્રોએ એ પણ પુષ્ટિ કરી છે કે PCBએ આ મુદ્દો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ ઉઠાવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે છેલ્લે 2016માં T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર એશિયા કપ અને ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે, કારણ કે આ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 'PCBએ ગઈકાલે તેના અધિકારીઓને પાસપોર્ટ એકત્રિત કરવા માટે ઈસ્લામાબાદ મોકલ્યા હતા, પરંતુ વિઝા હજુ પ્રક્રિયા હેઠળ છે. જેના કારણે અમને મજબૂરીના કારણે ક્રિકેટ ટીમનો દુબઈનો પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી. જો વિઝા સમયસર મળી જશે તો ટીમ 27 સપ્ટેમ્બરે દુબઈ થઈને હૈદરાબાદ પહોંચશે.'

આ બાબતથી પરિચિત અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'યોગ્ય ચકાસણી પ્રક્રિયા પછી જ વિઝા આપવામાં આવશે. જ્યારે પાકિસ્તાની પાસપોર્ટ ધારકને ભારતીય વિઝા આપવાની વાત આવે છે, ત્યારે ગૃહ, વિદેશ અને રમતગમત ત્રણેય મંત્રાલયો પાસેથી મંજૂરી લેવી પડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સમય લાગતો હોય છે, પરંતુ વિઝા સમયસર આપી દેવામાં આવશે.'

પાકિસ્તાનની ટીમમાં કુલ 33 સભ્યોનો સમાવેશ થાય છે. ખેલાડીઓ ઉપરાંત, તેમાં ત્રણ રિઝર્વ ખેલાડીઓ અને ટીમના અધિકારીઓનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટુર્નામેન્ટનું યજમાન છે અને આ બાબતે તેમનો સંપર્ક થઈ શક્યો નથી. પાકિસ્તાન તેની બીજી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે 3 ઓક્ટોબરે હૈદરાબાદમાં જ રમશે.

તે 6 અને 10 ઓક્ટોબરે આ જ શહેરમાં નેધરલેન્ડ અને શ્રીલંકા સામે વર્લ્ડ કપની મેચ રમશે અને ત્યારપછી 14 ઓક્ટોબરે ભારત સામેની મેચ માટે અમદાવાદ જશે. પાકિસ્તાનની વર્તમાન ટીમના માત્ર બે સભ્યો જ મોહમ્મદ નવાઝ અને સલમાન આગાએ અગાઉ ક્રિકેટ રમવા માટે ભારતનો પ્રવાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp