ચેમ્પિયન્સ ટ્રોફીઃ પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ પર તૈયાર, પણ મૂકી 2 શરત

PC: ICC

પાકિસ્તાનને ICC ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન અધિકાર મળ્યા હતા. પરંતુ તેના સ્થળ અને સમયપત્રક પર સસ્પેન્સ હજુ યથાવત છે. ભારત સરકારે સુરક્ષા કારણોસર ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી, જેના કારણે આ ટૂર્નામેન્ટ 'હાઈબ્રિડ મોડલ' હેઠળ યોજવામાં આવી શકે છે. આ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 29 નવેમ્બર (શુક્રવાર)ના રોજ એક્ઝિક્યુટિવ બોર્ડની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ 'હાઈબ્રિડ મોડલ' હેઠળ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે તેનું વલણ થોડું નરમ પડ્યું છે. સૂત્રોએ એક મીડિયા ચેનલ ને જણાવ્યું કે PCB 'હાઈબ્રિડ મોડલ' માટે તૈયાર થઇ ગયું છે, પરંતુ આ માટે તેણે ICC સમક્ષ બે શરતો મૂકી છે.

PCB ઈચ્છે છે કે, ટાઈટલ મેચ માટે લાહોરને બેકઅપ તરીકે રાખવામાં આવે. અને જો ભારત ફાઇનલમાં ન પહોંચે તો ટાઈટલ મેચ લાહોરમાં યોજવી જોઈએ.

PCB ઈચ્છે છે કે, જ્યારે પણ ભારત કોઈપણ ICC ટૂર્નામેન્ટનું આયોજન કરે, ત્યારે તે ટૂર્નામેન્ટ પણ 'હાઈબ્રિડ મોડલ' પર હોવી જોઈએ અને પાકિસ્તાને તેની મેચ ભારતની બહાર રમવી જોઈએ. આનો અર્થ એ છે કે, પાકિસ્તાન હવે ભારતમાં આવીને ICC ટૂર્નામેન્ટમાં રમવા માંગતું નથી.

ICCએ 29 નવેમ્બરે યોજાયેલી બેઠક દરમિયાન PCBને અંતિમ અલ્ટીમેટમ આપ્યું હતું. આ બેઠક દરમિયાન ICCએ PCBને સ્પષ્ટ કહ્યું કે, તે કાં તો 'હાઈબ્રિડ મોડલ' અપનાવે અથવા તો આ સ્પર્ધામાંથી ખસી જવા માટે તૈયાર રહે. હવે ICC PCBના અંતિમ જવાબની રાહ જોઈ રહ્યું છે. હવે ICCની બેઠક ત્યારે જ બોલાવવામાં આવશે, જ્યારે પાકિસ્તાન તેના જવાબ સાથે તૈયાર હશે.

જો પાકિસ્તાન 'હાઈબ્રિડ મોડલ' સ્વીકારશે તો ભારત સામેની મેચ UAEમાં યોજાશે. જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે અને પાકિસ્તાન પાસે હોસ્ટિંગનો અધિકાર રહેશે. જો ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવે તો PCBને 60 લાખ ડૉલર (રૂ. 50.73 કરોડ)ની હોસ્ટિંગ ફી ગુમાવવી પડશે.

આનાથી PCBની વાર્ષિક આવકમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે, જે લગભગ 350 લાખ ડૉલર (આશરે રૂ. 296 કરોડ) છે. જો 'હાઈબ્રિડ મોડલ' અપનાવવામાં નહીં આવે તો, ICCને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર પણ ICC સાથે તેના અબજ-ડૉલરના કરાર પર ફરીથી વાટાઘાટો કરી શકે છે.

આ સ્પર્ધા 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન જ યોજાય તેવી શક્યતા છે. 2008ના મુંબઈ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017 પછી પ્રથમ વખત ICC કેલેન્ડરમાં પરત ફરી રહી છે. પાકિસ્તાને 2017માં ઈંગ્લેન્ડમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી આવૃત્તિ જીતી હતી. અહીં તમને બતાવી દઈએ કે, પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ 2023માં ભારતે તેની તમામ મેચો 'હાઈબ્રિડ મોડલ' હેઠળ શ્રીલંકામાં રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp