પાક. સ્પોર્ટ્સ મિનિસ્ટરની ધમકી-ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન ન આવ્યું તો..

PC: twitter.com

પાકિસ્તાનના સ્પોર્ટ્સ મિનિસ્ટર એહસાન મજારીએ કહ્યું કે, જો ભારત એશિયા કપ માટે પાડોશી દેશ આવતો નથી, તો તેમનો દેશ વર્ષ 2023નો વર્લ્ડ કપ રમવા નહીં આવે. જો કે, એશિયા કપનું શેડ્યૂલ અત્યાર સુધી જાહેર થયું નથી, પરંતુ ACCમાં એ વાત પર સામાન્ય સહમતી છે કે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રૂપે આયોજિત કરવામાં આવશે. ભારત પોતાની બધી મેચ શ્રીલંકામાં રમશે. પાકિસ્તાનમાં 4 મેચ થશે. ACC તેની જાણકારી આપી ચૂક્યું છે.

જો કે, એહસાન મજારીએ કહ્યું કે, તેઓ આ હાઇબ્રીડ મોડલના પક્ષમાં નથી. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા એહસાન મજારીએ કહ્યું કે, મારું અંગત મંતવ્ય છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) મારા મંત્રાલય અંતર્ગત આવે છે. જો ભારત એશિયા કપની મેચ તટસ્થ સ્થળ પર રમવા માગે છે, તો અમે પણ ભારતમાં નહીં રમીએ.’ આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ દ્વારા ભારતની મેજબનીમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપમાં દેશની ભાગીદારીના મુદ્દા પર વિચાર કરવા માટે એક હાઇ-પ્રોફાઇલ સમિતિ રચવાના એક દિવસ બાદ આવ્યું છે.

સમિતિને લઈને જાણકારી શેર કરતા એહસાન મજારીએ કહ્યું કે, ‘સમિતિના અધ્યક્ષ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી કરશે અને હું એ 11 મંત્રીઓમાંથી છું જે તેનો હિસ્સો છે. અમે આ મુદ્દા પર ચર્ચા કરીશું અને પોતાની ભલામણ વડાપ્રધાનને આપીશું. જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સંરક્ષક પણ છે. વડાપ્રધાન અંતિમ નિર્ણય લેશે. એશિયા કપના હાઇબ્રીડ મોડલને લઈને એહસાન મજારીએ કહ્યું કે, પાકિસ્તાન મેજબાન છે, તેને બધી મેચ પાકિસ્તાનમાં આયોજિત કરવાનો અધિકાર છે.

તેમણે આગળ કહ્યું કે, ક્રિકેટ પ્રેમી એવું જ ઈચ્છે છે અને હું હાઇબ્રીડ મોડલ ઈચ્છતો નથી. પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા ભારતનું ના પાડવું તેમને પરેશાન કરી રહ્યું છે. ભારત રમતને રાજનીતિમાં લાવે છે. મને સમજ પડતી નથી કે, ભારત સરકાર પોતાની ક્રિકેટ ટીમ અહીં કેમ મોકલવા માગતી નથી? થોડા સમય અગાઉ ભારતની એક વિશાળ બેસબોલ ટીમ રમવા માટે ઇસ્લામાબાદ આવી હતી. બ્રિજ ટીમે પણ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, લગભગ 60 કરતા વધુ લોકો હતા અને હું કાર્યક્રમનો મુખ્ય અતિથિ હતો. તેઓ અહીં જીતીને ગયા. પાકિસ્તાનની ફૂટબોલ, હોકી અને ચેસ ટીમો પણ ભારતનો પ્રવાસ કરે છે.

મજારીને પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટરોની સુરક્ષાની ચિંતા પર સવાલ કર્યો તો તેમણે કહ્યું કે કોઈ યોગ્ય તર્ક નથી. ન્યૂઝીલેન્ડની ટીમ અહીં હતી. એ અગાઉ ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં હતી. તેમને રાષ્ટ્રપતિ સુરક્ષા મળી છે. આ અગાઉ અહીં ભારતીય ટીમનું ફેન્સે જોરદાર સ્વાગત કર્યું હતું. સુરક્ષા તો એક બહાનું છે. અમે PSLનું પણ આયોજન કર્યું, જેમાં ઘણા બધા વિદેશી ખેલાડી હતા. મજારીએ બંને દેશો વચ્ચે ક્રિકેટના પ્રવાસોને શરૂ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ટી.વી. પર સૌથી વધુ જોવાતી ક્રિકેટ મેચોમાથી એક છે.

તેમણે એમ પણ કહ્યું કે, અમે એવું ઈચ્છીએ છીએ કે, સ્વસ્થ ક્રિકેટ રમવામાં આવે. અમને ભારત પાસે સકારાત્મક જવાબની આશા છે. ઉલ્લેખનીય છે કે, ICCએ ગત દિવસોમાં પાકિસ્તાનને વર્લ્ડ કપ માટે ભારતની યાત્રા કરવા માટે આગ્રહ કર્યો હતો. ICCએ એક નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાને ટૂર્નામેન્ટ માટે એક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે અને અમને આશા છે કે ટીમ ભારત આવશે અને તેની વિરુદ્ધ કોઈ સંકેત મળ્યા નથી. બધા સભ્યોને પોતાના દેશના નિયમો અને કાયદાનું પાલન કરવાનું હોય છે અને અમે તેનું સન્માન કરીએ છીએ, પરંતુ અમને વિશ્વાસ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ માટે ભારત આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp