વર્લ્ડ કપમાં રકાસથી પરેશાન પાક ક્રિકેટ બોર્ડના દિગ્ગજનું રાજીનામું

PC: gulfnews.com

ભારતમાં રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ 2023 વચ્ચે પાકિસ્તાન ક્રિકેટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઇંઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાનું આ રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ જકા અશરફને મોકલી દીધું છે. 53 વર્ષીય ઇંઝમામ ઉલ હકેને હારુન રાશિદે પદ છોડ્યા બાદ આ જ વર્ષે ઑગસ્ટના મહિનામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા હતા.

એવામાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હક 3 મહિના કરતા પણ ઓછો સમય આ પદ પર રહ્યા. આ અગાઉ ઇંઝમામ ઉલ હકે વર્ષ 2016-19 દરમિયાન પણ ચીફ સિલેક્ટરનું પદ સંભાળ્યું હતું. તેમના ચીફ સિલેક્ટર રહેવા દરમિયાન જ પાકિસ્તાને ભારતને હરાવીને વર્ષ 2017માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 5 સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી છે, જે ટીમ સિલેક્શન પ્રોસેસ સાથે સંબંધિત મીડિયા સાથે આવેલા હિતોના ટકરાવોના આરોપોની તપાસ કરશે. આ કમિટી પોતાનો રિપોર્ટ અને કોઈ પણ ભલામણ જલદી જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટને સોંપશે.

ઇંઝમામ ઉલ હકની ગણતરી પાકિસ્તાનના મહાન ખેલાડીઓમાં થાય છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હકના નામે વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. ઇંઝમામ ઉલ હકે 375 વન-ડે મેચમાં પાકિસ્તાન માટે 11,701 રન બનાવ્યા છે. વન-ડે ઇન્ટરનેશનલમાં ઇંઝમામ ઉલ હકે 10 સદી અને 83 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં પણ ઇંઝમામ ઉલ હકનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તેમણે 120 ટેસ્ટમાં 8,830 રન બનાવ્યા છે, જેમાં 25 સદી અને 46 અડધી સદી સામેલ હતી.

ઇંઝમામ ઉલ હક વર્ષ 1992ના વર્લ્ડ કપમાં વિજેતા રહેલી પાકિસ્તાની ટીમનો હિસ્સો પણ હતા. સંન્યાસ બાદ તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચના રૂપમાં પણ કામ કર્યું. ઉલ્લેખનીય છે કે, બાબરની કેપ્ટન્સીવાળી પાકિસ્તાની ટીમ આ વર્લ્ડ કપમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. ટીમને અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાની ટીમે અત્યાર સુધી કુલ 6 મેચ રમી છે, જેમાંથી 2 જ મેચ જીતી છે. તેણે હવે 3 મેચ હજુ રમવાની છે. સેમીફાઇનલમાં પહોંચવાના પાકિસ્તાનની ટીમના ચાંસ પણ ખૂબ ઓછા છે. સેમીફાઇનલમાં પહોંચવા માટે પોતાની બાકી બધી મેચ જીતવાની હશે. સાથે જ બાકી ટીમોની જીત-હાર પર પણ નિર્ભર રહેવું પડશે. ત્યારબાદ જ કંઈક થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp