LSG સામે જીત છતા પંત નારાજ, બોલ્યો- 1 મેચનો પ્રતિબંધ ન હોત તો...
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સામે દિલ્હી કેપિટલ્સની જીત થઈ હોવા છતા કેપ્ટન રિષભ પંત નિરાશ જોવા મળ્યો હતો. તે BCCIના પ્રતિબંધથી હજુ નારાજ છે. જીત બાદ રિષભ પંતે કહ્યું હતું કે, હું એ નથી કહેતો કે જો હું રમ્યો હોત તો અમે નિશ્ચિત પણે ગેમ જીતી ગયા હોત, પરંતુ જો મને ગઈ મેચ રમવાની તક મળી હોત તો અમારી પાસે ક્વોલિફાઇ કરવાની સારી તક હોત.
તેણે કહ્યું- અમે સિઝનની શરૂઆત ખૂબ આશા સાથે કરી હતી, પરંતુ ઈજા અને અમુક ઉતાર-ચઢાવ અમને જોવા મળ્યા. પરંતુ એક ફ્રેન્ચાઇઝી તરીકે તમે દર વખતે ફરિયાદ ન કરી શકો, તમારી પાસે જે ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવાનો હોય છે. અમુક એવી વસ્તુઓ છે, જેને તમે કંટ્રોલ કરી શકો, જ્યારે અમુક વસ્તુને આપમે કંટ્રોલ નથી કરી શકતા.
કેમ પ્રતિબંધ લાગેલો...
ઈન્ડિયન પ્રીમિયર લીગ રમી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના કેપ્ટન રિષભ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના ધીમા ઓવર રેટના ગુનાને કારણે રિષભ પંત પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
સમગ્ર મામલો શું છે તે જરા સમજી લઈએ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. રિષભ પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 56મી મેચમાં સ્લો ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ મેચ 7 મે 2024ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.
IPL આચાર સંહિતા હેઠળ આ રિષભ પંતની ટીમનો ત્રીજો ગુનો હતો, જેના કારણે રિષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે ઓછું હોય, તે દંડ ફટકારવામાં આવ્યો હતો.
IPL આચાર સંહિતાની કલમ 8 મુજબ દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી. આ પછી અપીલ BCCI લોકપાલને સમીક્ષા માટે મોકલવામાં આવી હતી. આ પછી લોકપાલે આ કેસની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરી હતી. આ પછી મેચ રેફરીના નિર્ણયને અંતિમ અને બંધનકર્તા માનવામાં આવ્યો હતો.
સ્લો ઓવર રેટ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ, જો કોઈ ટીમનો કેપ્ટન પહેલો ગુનો કરે છે તો તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો તે કેપ્ટન IPL સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વખત આ ભૂલ થાય તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp