સોશિયલ મીડિયાથી પ્લેઈંગ XI પસંદ નથી થતી, ગંભીરે જણાવ્યું કેએલ રાહુલનું શું થશે

PC: bcci.tv

બેંગલુરુ ટેસ્ટમાં હાર પછી ભારતીય ક્રિકેટ ટીમ હવે પુણેમાં 24 ઓક્ટોબરથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમશે. આ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે (23 ઓક્ટોબર) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેણે રીષભ પંતની વાપસી, KL રાહુલના ફોર્મ અને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 વિશે વાત કરી.

ગૌતમ ગંભીરે આ દરમિયાન કહ્યું કે શુભમન ગિલ ચોક્કસપણે પ્લેઈંગ ઈલેવનમાં આવશે, પરંતુ હજુ સુધી તે નક્કી નથી થયું. અમે આવતીકાલે સવારે આ અંગે નિર્ણય કરીશું. ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ટીકાઓથી ઘેરાયેલા બેટ્સમેન KL રાહુલનું સમર્થન કર્યું અને કહ્યું કે, ટીમ મેનેજમેન્ટનો અભિપ્રાય મહત્વપૂર્ણ ગણાય છે, નહીં કે સોશિયલ મીડિયા પર થતી તેની ટીકા. આ દરમિયાન ગંભીરે એમ પણ કહ્યું કે, અત્યારે અમે ઓસ્ટ્રેલિયા સિરીઝ વિશે વિચારી રહ્યા નથી, ન્યૂઝીલેન્ડ સામેની આ બે ટેસ્ટ અમારા માટે મહત્વપૂર્ણ છે. ગંભીરે પુષ્ટિ કરી હતી કે, પંત બીજી ટેસ્ટમાં ભારત માટે વિકેટ કીપિંગ કરશે.

હકીકતમાં, KL રાહુલ બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો અને બીજી ઇનિંગમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમ આ મેચ આઠ વિકેટે હારી ગઈ હતી. પરંતુ, હવે ગંભીરના નિવેદન પરથી લાગે છે કે, ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે લાંબા સમય સુધી KL રાહુલને તક આપવાનો નિર્ણય કર્યો છે.

બીજી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ જ્યારે ગંભીરને રાહુલના ટીમમાં સ્થાન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'સોશિયલ મીડિયાનો કોઈ અર્થ નથી રહેતો. ટીમ મેનેજમેન્ટ અને નેતૃત્વ જૂથ શું વિચારે છે તે ખૂબ મહત્વનું ગણાય છે. તે ખરેખર સારી બેટિંગ કરી રહ્યો છે, તેણે કાનપુરમાં (બાંગ્લાદેશ સામે મુશ્કેલ વિકેટ પર) સારી ઇનિંગ રમી હતી.'

રાહુલે બાંગ્લાદેશ સામે કાનપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 68 રનની ઇનિંગ રમી હતી. ગંભીરે કહ્યું, 'મને ખાતરી છે કે, તે જાણે છે કે તેણે મોટા રન બનાવવાના છે અને તેની પાસે રન બનાવવાની ક્ષમતા છે. તેથી જ ટીમે તેને ટેકો આપ્યો છે... છેવટે, દરેકનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મૂલ્યાંકન થાય છે.'

પ્રથમ ટેસ્ટમાં સરફરાઝ ખાનની પ્રથમ સદીએ KL રાહુલ માટે કાર્ય મુશ્કેલ બનાવી દીધું છે અને કર્ણાટકનો ખેલાડી બીજી મેચમાં પોતાનું પ્રદર્શન સુધારવા માંગશે.

બેંગલુરુમાં હારને લઈને ગંભીરે કહ્યું, 'બેંગલુરુમાં જે થયું તે અમારે પણ સહન કરવું પડ્યું. અમે બાકીના અઢી દિવસ બેટિંગ કરવાનો કોઈ ઈરાદો દર્શાવ્યો નથી. બેંગલુરુમાં, ભારત પ્રથમ દાવમાં 46 રનમાં સમેટાઈ ગયું હતું, જે હોમ ગ્રાઉન્ડ પર તેનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર હતો.

બેંગલુરુ ટેસ્ટ પછી KL રાહુલે પીચને સ્પર્શ કર્યો અને તેને સલામ કરી. આ પછી તેમની નિવૃત્તિની અફવા વાયરલ થઈ હતી. KL રાહુલનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે આ દરમિયાન KL રાહુલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. KL રાહુલે 53 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 8 સદી અને 15 અડધી સદી ફટકારી છે. KL રાહુલે આ દરમિયાન 2981 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 199 રન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp