પૂર્વ ક્રિકેટર ગુસ્સામાં, બોલ્યો- 'રણજી ટ્રોફી બંધ થવી જોઈએ', આપ્યું આ કારણ

PC: tv9hindi.com

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. હકીકતમાં પૂર્વ ભારતીય ક્રિકેટર પોતાની પોસ્ટમાં રણજી ટ્રોફીને નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે. મનોજ તિવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. પૂર્વ ક્રિકેટર તિવારીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'રણજી ટ્રોફીને આગામી સિઝનમાંથી હટાવી દેવી જોઈએ, કારણ કે તેમાં ઘણી બધી બાબતો ખોટી થઈ રહી છે. જો પ્રતિષ્ઠિત ઈતિહાસ ધરાવતી આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને બચાવવી હોય તો તેમાં ઘણી વસ્તુઓ સુધારવાની જરૂર છે. ટૂર્નામેન્ટ હવે તેની ચમક અને મહત્વ ગુમાવી રહી છે. જેના કારણે હું ખૂબ જ નિરાશ અને પરેશાન છું.'

આ સનસનાટીભર્યા પોસ્ટ સિવાય, તિવારીએ સોશિયલ મીડિયા ફેસબુક પર લાઈવ આવીને પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો હતો, મનોજ તિવારીએ કહ્યું હતું કે, 'અમે કેરળ સાથે મેદાનમાં રમી રહ્યા છીએ, સ્ટેડિયમમાં નહીં, જ્યારે ત્યાં વર્ષો પહેલા એક સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું. અમને રાજ્યની બહારના વિસ્તારમાં આવેલા મેદાનમાં રમવાનું કહેવામાં આવી રહ્યું છે... ડ્રેસિંગ રૂમ એવા છે કે, તમે ત્યાં બેસીને યોગ્ય પ્લાનિંગ પણ કરી શકતા નથી. રૂમ અને સામેનો ડ્રેસિંગ રૂમ એકબીજાની એટલી નજીક છે કે, તમે સાંભળી શકો છો કે બીજા શું કહી રહ્યા છે... કોઈ ગોપનીયતા નથી. મને આશા છે કે,  ભવિષ્યમાં આની પર ધ્યાન આપવામાં આવશે.'

જો કે, આ સિવાય તેણે બીજું કંઈ કહ્યું નહોતું અને ન તો તેણે BCCI પ્રત્યે કોઈ નારાજગી વ્યક્ત કરી હતી. તિવારીએ તેમની પોસ્ટ પાછળની વાસ્તવિક વાર્તા પણ કહી ન હતી. મનોજ તિવારીએ કહ્યું, 'હું વધુ વિગતમાં કહી શકતો નથી, કારણ કે હું એક રાજ્યનો ખેલાડી અને કેપ્ટન છું અને મારે BCCIની આચાર સંહિતાનું પાલન કરવું પડશે... હું મેચ દરમિયાન જાહેરમાં કંઈ કહી શકું નહીં.'

મનોજ તિવારીનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે બંગાળની ટીમ રણજી ટ્રોફીની મેચમાં કેરળનો સામનો કરી રહી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ કોઈ મોટા સ્ટેડિયમમાં નહીં પરંતુ કોલેજના મેદાનમાં રમાઈ રહી છે. મનોજ તિવારી આનાથી ખૂબ જ નિરાશ છે. ખેલાડીઓને કોઈ ગોપનીયતા મળી રહી નથી અને તમે જેની વાત કરી રહ્યા છો તે દરેક સાંભળી શકે છે.

આ વર્ષે રણજી ટ્રોફીમાં બંગાળની ટીમના પ્રદર્શનની વાત કરીએ તો, મનોજ તિવારીની કપ્તાનીમાં આ ટીમ અત્યાર સુધીમાં 5 મેચ રમી ચૂકી છે. તેમાંથી ટીમ એક મેચ જીતી હતી, જ્યારે 3 મેચ ડ્રો રહી હતી. બંગાળની ટીમ એક મેચ હારી પણ છે.

મનોજ રણજી ક્રિકેટમાં પહેલેથી જ જાણીતું નામ છે. તેણે દોઢ દાયકાથી વધુની કારકિર્દીમાં રણજી ટ્રોફીની ઘણી સીઝન રમી છે. મનોજે અત્યાર સુધીમાં 125 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં 100 રણજી મેચનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 50.36ની એવરેજથી 8,965 રન બનાવ્યા છે, જેમાં 27 સદી અને 37 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 303 રન છે. તે 2020માં રણજી ટ્રોફી જીતનારી બંગાળની ટીમનો મહત્વનો સભ્ય હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp