ઓસ્ટ્રેલિયાને હરાવી રાશિદે કહ્યું- ત્યારે મુંબઈમાં આખી રાત નહોતો સૂતો આજે...
T20 વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતીને અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. રાશિદ ખાનની કેપ્ટનશીપમાં અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવી દીધી હતી. આ મેચમાં જીત મળ્યા બાદ રાશિદ ખાને કહ્યું હતું કે, મને લાગે છે કે હવે સારી રીતે સૂઈ શકીશ. એ રાતે હું બરાબર સૂઈ નહોતો શક્યો. એ મેચ હંમેશાં મગજમાં રહેશે. 7 નવેમ્બર 2023ની એ રાતે હું સૂઈ નહોતો શક્યો. લાગી રહ્યું હતું કે, આજે પણ એવું જ થશે. આજે હું ખુશીને કારણે સૂઈ નહીં શકું. આજે આખી ટીમ ખુશ છે. યુદ્ધનો સામનો કરી રહેલા દેશના લોકોને આ જીતથી ઉજવણી કરવાની તક મળશે. એક ટીમ એક રાષ્ટ્રના રૂપમાં અમારા માટે આ એક મોટી જીત છે. ઉલ્લેખનીય છે કે, રાશિદ ખાન 2023 વન-ડે વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા સામેની મેચની વાત કરી રહ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી હતી. એ રાતે રાશિદ ખાન મુંબઈમાં આખી રાત સૂઈ નહોતો શક્યો.
T20 વર્લ્ડ કપ 2024ની 48મી મેચ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાશિદ ખાનની ટીમે મોટો અપસેટ સર્જ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું હતું અને ODI વર્લ્ડ કપ 2023માં મળેલી હારનો બદલો પણ લીધો હતો. અફઘાનિસ્તાનની જીત સાથે સેમીફાઈનલનું ભાવિ પણ ફસાઈ ગયું છે. ગુલબદ્દીન નઈબે એકલા હાથે મેચને ફેરવી નાખી, જે એક સમયે ઓસ્ટ્રેલિયા તરફી થઇ ગઈ હતી. આ બોલરે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેનોને એક પછી એક પેવેલિયન પરત મોકલવાનું શરૂ કર્યું. નઈબે 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.
અફઘાનિસ્તાનના 149 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા માટે જીત આસાન લાગી રહી હતી, પરંતુ ગુલબદ્દીન નઈબ (20 રનમાં 4 વિકેટ) અને નવીન ઉલ હક (20 રનમાં 3 વિકેટ)ની આગ ઓકતી બોલ સામે ઓસ્ટ્રેલિયા પુરી ઓવર રમ્યા વિના જ 127 રન પર જ ઓલ આઉટ થઇ ગઈ હતી. એક સમયે મેક્સવેલ ક્રિઝ પર ટકી જવાને કારણે ઓસ્ટ્રેલિયાને જીતની આશા લગતી હતી, પરંતુ નઈબે તેને આઉટ કરીને મોટી વિકેટ મેળવી હતી. મેક્સવેલ 59 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાના બાકીના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ખાતું ખોલાવ્યા વિના ટ્રેવિસ હેડ પણ નવીનનો શિકાર બન્યો હતો. વોર્નર માત્ર 3 રન બનાવી શક્યો હતો. કેપ્ટન માર્શ 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ટિમ ડેવિડ (2 રન) અને માર્કસ સ્ટોઈનિસ (11 રન) પણ સસ્તામાં આઉટ થયા હતા.
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને અડધી સદી ફટકારી અને 118 રનની મોટી ભાગીદારી કરી અને ટીમનો મજબૂત પાયો નાખ્યો. પરંતુ સ્ટોઈનિસ ગુરબાઝ (60 રન)ને આઉટ કરીને ભાગીદારી તોડી નાખી. આ પછી ઝદરાન (51 રન) પણ વહેલો આઉટ થયો હતો. પેટ કમિન્સે પાછલી મેચની સિદ્ધિનું પુનરાવર્તન કર્યું અને ટુર્નામેન્ટની બીજી હેટ્રિક લીધી. તેણે 18મી ઓવરના છેલ્લા બોલ અને 20મી ઓવરના પહેલા બે બોલ પર વિકેટ લઈને અફઘાનિસ્તાનને મોટા સ્કોર તરફ આગળ વધતા અટકાવ્યું હતું. જોકે, કમિન્સની આ હેટ્રિક કોઈ કામ લાગી ન હતી.
અફઘાનિસ્તાનની આ જીત સાથે સેમીફાઈનલનો મામલો ફસાઈ ગયો છે. ભારતનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની આગામી મેચ ભારત સામે છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાને કોઈપણ ભોગે જીતવું પડશે. બીજી તરફ અફઘાનિસ્તાનની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે. આ મેચ જીતીને અફઘાનિસ્તાન પણ સેમીફાઈનલની ટિકિટ મેળવવાનો પ્રયાસ કરશે. જો કે, જો અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા તેમની આગામી મેચ જીતશે તો રન રેટ મુશ્કેલીમાં મુકાઈ જશે. કારણ કે બંનેના 4-4 પોઈન્ટ થઇ જશે. આવી સ્થિતિમાં ભારતના પણ ચાર પોઈન્ટ હશે, પરંતુ જો રન રેટ વધુ સારો રહેશે તો તેના માટે સેમીફાઈનલમાં પહોંચવું આસાન બની જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp