કોહલીના કારણે RCB હાર્યું? દિગ્ગજ ક્રિકેટરે સવાલ ઉઠાવનારાઓને ઘેર્યા!

PC: abplive.com

વિરાટ કોહલીની સદી છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને IPL 2024માં વધુ એક હારનો સામનો કરવો પડ્યો હતો. 6 એપ્રિલે જયપુરમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે RCBને 6 વિકેટથી હરાવ્યું હતું. સીઝનમાં RCBની આ ત્રીજી હાર છે. RCB માટે કોહલીએ 72 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી. જોકે, ધીમી ઈનિંગ્સને લઈને ચાહકોએ કોહલી પર ખૂબ નિશાન સાધ્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર માઈકલ ક્લાર્ક ખુલ્લેઆમ વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યા છે.

ક્લાર્કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બાકીના ખેલાડીઓને પણ તેમના સામાન્ય પ્રદર્શન માટે નિશાન બનાવ્યા છે. તેણે મીડિયા સૂત્રોને કહ્યું, 'હું વિરાટ કોહલીની બેટિંગ પર કોઈ સવાલ નહીં ઉઠાવીશ. તેણે આ મેચમાં જે કરવાની જરૂર હતી તે જ કર્યું, કારણ કે તેને ટીમના બાકીના ખેલાડીઓ તરફથી સપોર્ટ મળી રહ્યો ન હતો. બાકીના ખેલાડીઓ ન તો આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી રહ્યા છે અને ન તો ખુલીને રમી રહ્યા છે.'

ક્લાર્કે મેચમાં RCB દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું, 'મારા અનુસાર, RCBએ મેચમાં 15 રન ઓછા બનાવ્યા. તેના કેટલાક નિર્ણયોને સમજવું ખૂબ મુશ્કેલ હતું. તમારી પાસે ફિનિશર તરીકે દિનેશ કાર્તિક છે. મેક્સવેલ આઉટ થયા પછી અને કેમેરોન ગ્રીન પહેલા તેને ચોક્કસપણે બેટિંગ માટે મોકલવો જોઈતો હતો.'

વિરાટની વાત કરીએ તો તેણે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. IPLના ઈતિહાસમાં આ સૌથી ધીમી સદી છે. વિરાટે આ મામલે મનીષ પાંડેની બરાબરી કરી હતી. તેણે પોતાની સદી પણ માત્ર 67 બોલમાં પૂરી કરી હતી. આ ઈનિંગને લઈને વિરાટ કોહલીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. RCBની ઇનિંગ્સ પછી મીડિયા સૂત્રો સાથે વાત કરતી વખતે, તેણે કહ્યું, 'વિકેટ બહારથી તદ્દન અલગ દેખાતી હતી. અમને લાગ્યું કે તે સપાટ પિચ છે. પરંતુ આ પીચ પર બોલ અટકીને આવી રહ્યો હતો. મેં અથવા ફાફે છેલ્લા સુધી બેટિંગ કરવાની હતી. મારા મતે, આ પીચ પર આ ટોટલ બરાબર છે.'

મેચના ટૂંકા સ્કોર પર નજર કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા RCBએ ત્રણ વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. કોહલી સિવાય ડુ પ્લેસિસે 33 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મેક્સવેલ પણ આ મેચમાં ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 1 રન બનાવી શક્યો હતો. રાજસ્થાન તરફથી ચહલે 34 રનમાં બે વિકેટ ઝડપી હતી.

રાજસ્થાને 184 રનનો ટાર્ગેટ 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. રાજસ્થાન માટે જોસ બટલરે 58 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. જેમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સંજુ સેમસને 42 બોલમાં 69 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમ તેની ચારેય મેચ જીતીને ટેબલ ટોપર છે. જ્યારે RCBની ટીમ ચારમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે અને તે પોઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp