રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હાંસલ કરી મોટી ઉપલબ્ધિ, ધોનીને છોડ્યો પાછળ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) રમાઈ હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રનોની બાબતે તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડતા ઉપલબ્ધિ હાંસલ કરી છે. રોહિત શર્મા હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાની બાબતે પાંચમા નંબર પર પહોંચી ગયો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશી મેચની બીજી ઇનિંગમાં રોહિત શર્મા 43 રન બનાવીને આ ખાસ લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. રોહિત શર્મા હવે સચિન તેંદુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજો સાથે ભારત માટે સૌથી વધુ ઇન્ટરનેશનલ રન બનાવવાની ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. હવે ભારતીય કેપ્ટનના 461 ઇન્ટરનેશનલ ઇનિંગમાં 17,100 કરતા વધુ રન થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેની એવરેજ 42.78ની રહી.
આ લિસ્ટમાં પાંચમા નંબર પર મહેન્દ્ર સિંહ ધોની સામેલ હતો, જેણે પોતાની 523 ઈનિંગમાં 17,092 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે બનાવ્યા છે. સચિન તેંદુલકરના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટની 782 ઇનિંગમાં 34,357 રન નોંધાયેલા છે અને આ દરમિયાન તેમણે 100 સદી પણ નોંધાવી છે.
તો બીજા નંબર પર વિરાટ કોહલી આવે છે, જેણે પોતાની રમેલી 556 ઇનિંગમાં ભારત માટે 25,380 રન બનાવ્યા છે. ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે જેમણે ભારત માટે રમતા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 24,064 રન બનાવ્યા છે. ચોથા નંબર પર પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ સામેલ છે. તેમણે પોતાની 485 ઇનિંગમાં ભારત માટે 18,433 રન બનાવ્યા છે.
એક રિપોર્ટ મુજબ, રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં 43 રન બનાવવાની સાથે જ સચિન તેંદુલકરનો એક રેકોર્ડ તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ની ફાઇનલની પહેલી ઇનિંગમાં રોહિત શર્માએ 15 રન અને બીજી ઇનિંગમાં 43 રન બનવ્યા જેમાં 7 ફોર અને 1 સિક્સ લગાવ્યા. તેની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેના 70 સિક્સ થઈ ગયા, જ્યારે સચિનના નામે 69 સિક્સ જ છે. ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ લગાવવાનો રેકોર્ડ વિરેન્દર સેહવાગના નામે છે. તેણે 91 સિક્સ લગાવ્યા છે. ત્યારબાદ બીજા નંબરે ધોની આવે છે જેણે 78 સિક્સ લગાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp